- વિપક્ષી નેતાએ પત્રમાં આરોગ્ય અધિકારી કામ કરતા ન હોવાનો આક્ષેપ કહ્યું, જો આરોગ્ય અધિકારી કામ કરતા ન હોય તો આવા અધિકારીની પાલિકામાં જરૂર નથી
વડોદરા શહેરના ગાજરાવાડી ખાતે આવેલા સ્લોટર હાઉસની કામગીરી માટે છેલ્લા 25 વર્ષથી લડત આપી રહેલા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આ કામગીરી વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. પત્રમાં તેઓએ આરોગ્ય અધિકારી કામ કરતા ન હોવાનો આક્ષેપ કરી જણાવ્યું છે કે, જો આરોગ્ય અધિકારી કામ કરતા ન હોય તો આવા અધિકારીની પાલિકામાં જરૂર નથી.
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા 25 વર્ષથી મરેલા જાનવરોના નિકાલ વખતે આવતી દુર્ગંધના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. આ બાબતે નાગરિકો માટે લડતો આવ્યો છું. શહેરની અંદર દુર્ગંધ મારતી હોય એવી કોઇ વસ્તુ શહેરમાં મૂકાય નહી, પહેલા 2-4 મરેલા જાનવરો આવતા હતા ત્યારે આ સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું હતુ અને તે વખતે આ વિસ્તારમાં કોઇ વસ્તી ન હતી.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આજે સ્લોટર હાઉસની આસપાસ અને તેના પાંચ કિલોમીટર વિસ્તારમાં વિશ્વકર્માનગર, ગણેશનગર, શાંતિનગર, શકિતનગર ઉપરાંત વાડી વિસ્તાર ગોમતીપુરા, મહાનગર, નારાયણનગર, ભારતવાડી, યમુનામીલની ચાલી, દત્તનગર, બાવરી કુંભારવાડા, વાડીનો વિસ્તાર, મહારાષ્ટ્ર કિડા મંડળ જેવા વિસ્તારો આવેલા છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો રહે છે. આ તમામ વિસ્તારોમાં ચારે બાજુ દુર્ગંધ મારે છે.
વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય અમલદારે આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપવુ જોઇએ તે આપતા નથી, નથી દવા છંટકાવ સહિતનુ કામ કરતા નથી. સ્લોટર હાઉસ બનાવવા માટે નાણાં ફાળવી દીધા છે અને ટેન્ડર પણ નીકળી ગયું છે અને મંજુર પણ થઇ ગયું છે, પરંતુ મને લાગે છે કે આરોગ્ય અમલદારને કોન્ટ્રાકટર સાથે મળીને કામ કરવાની દાનત નથી.
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. સ્લોટર હાઉસનુ કામ બે મહિના પહેલા સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવ્યુ છે છતાં આજે બે મહિના થવા છતાં પણ આજદિન સુધી કામ ચાલુ કરવામાં આવ્યુ નથી. આના પરથી એવુ લાગે છે કે આરોગ્ય અમલદારને આ કામ કરવું નથી કે કરાવવુ નથી. સ્લોટર હાઉસના કારણે વિસ્તારમાં દુર્ગંધ આવતી હોવાના કારણે લોકો બીમાર પડે છે અને વિવિધ રોગનો ભોગ બની રહ્યા છે, લોકોને ઘરના દરવાજા બંધ કરી બેસી રહેવુ પડે છે. આ બાબતે સભામાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં આરોગ્ય અમલદાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આવા આરોગ્ય અમલદાર શુ કામના ?
વધુમાં જણાવ્યું છે કે, આ જગ્યાએ જતા લોકોને ઉલ્ટી થઇ જાય છે. એવી દુર્ગંધ મારતી હોય અને માંસના લોચા પડેલા હોય છે. ઉપરાંત રૂપારેલ કાંસમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનુ પાણી છોડવામાં આવે છે. તેમ છતાં આરોગ્ય અમલદાર ઊંઘ ઉડાડતા નથી. છેલ્લા બે મહિનાથી સ્લોટર હાઉસના કામ માટે એગ્રીમેન્ટ કર્યા પછી પણ કોન્ટ્રાકટર કામ કરતો ના હોય તો બીજાને કામ આપીને તાત્કાલિક ઘોરણે કામ પુરુ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ એવી મારું માનવુ છે.
તેમણે જણાવ્યું છે કે, આ કામ માટે મારે ન છૂટકે કોર્ટમાં જવુ પડશે. સરકારમાં જાણ કરવી પડશે, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને પણ જાણ કરવી પડશે. આ કામગીરી કરાવવાની જેની ફરજ બને છે એવા આરોગ્ય અમલદાર બેસી રહેતા હોય ત્યારે તેમનું હવે કામ શું છે ? કમિશનરે પણ આ બાબતે ગંભીરતાથી વિચારવુ જોઇએ એવુ લાગી રહ્યુ છે. જેથી આ કામ વહેલીતકે કરવા મારી માંગ છે.