વડોદરામાં સુરક્ષા-લાઇસન્સ વિના ફટાકડાનો સ્ટોક રાખનાર વેપારી સહિત 3 સામે ફરિયાદ

નેશનલ હાઇવે પર આવેલી સયાજીમાર્કેટની બે દુકાનોમાં 20 માર્ચે સાંજે આગ લાગી હતી

MailVadodara.com - Complaint-filed-against-3-including-a-trader-for-keeping-stock-of-firecrackers-without-security-license-in-Vadodara

વડોદરા શહેરના નેશનલ હાઇવે નં.48 ઉપર આવેલી સયાજી માર્કેટની બે દુકાનોમાં ગત 20 માર્ચના રોજ સાંજના સમયે આગ ફાટી નીકળી હતી. આ ઘટના મામલે પોલીસે કોઈપણ પ્રકારની સુવિધા સુરક્ષા વિના પ્લાસ્ટિકના સ્ક્રેપ અને ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરનાર બંને દુકાનદારો તથા દુકાનની નજીક શેડ દૂર કરતા વેલ્ડીંગ સમયે તણખા ઝરતા આગ લાગતા કામગીરીમાં બેદરકારી બદલ ફેબ્રિકેટર્સ વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ તથા બીએનએસ 287, 288, 289 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં 21 લોકોના મોત થયા બાદ વડોદરા પોલીસ જાગી છે અને વડોદરામાં કોઈપણ પ્રકારની સુરક્ષા અને સુવિધા અને લાઇસન્સ મેળવ્યા વિના ફટાકડાનો સ્ટોક રાખનાર વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ગત 20 માર્ચના રોજ સાંજે નેશનલ હાઇવે નં. 48 ઉપર આવેલી સયાજી માર્કેટમાં દુકાન નં. 553માં પ્લાસ્ટિક સ્ક્રેપ ભરેલો હતો અને તેની ગેલેરીમાં રાખેલા પ્લાસ્ટિકના સ્ક્રેપ અને દાણામાં આગ લાગી હતી. જે આગ વધુ પ્રસરતા દુકાનની બાજુમાં આવેલી બીજી દુકાન નં. 552માં ફટાકડાનો જથ્થો રાખ્યો હોય તેમાં પણ આગ ફાટી નીકળી હતી.

આ ઘટનાની જાણ કરતા સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. દુકાન નં. 553ના માલિક શફિકભાઈ ધોબી (રહે- ગીરીરાજ સોસાયટી, જિલ્લા પંચાયત ક્વાર્ટસ્ પાસે, પાણીગેટ, વડોદરા)ની જાણવાજોગ અરજી કપૂરાઈ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ કોલોનીમાં જગદીશ ફરસાણના પાર્કિંગમાં બનાવેલો શેડ ખોલવાનું કામ નિઝામુદ્દીન શેખ (રહે-સાંઈનાથ નગર, કરોડિયા બાજવા રોડ, વડોદરા)ને જગદીશ ફરસાણવાળાએ સોંપ્યું હતું.

શેડ દૂર કરવાની કામગીરી દરમિયાન સેફ્ટી સાધનો વિના બેદરકારી દાખવતા લોખંડની એંગલોને મશીન દ્વારા કટીંગ કરતા સમયે તણખા પ્લાસ્ટિકના સ્ક્રેપ ઉપર પડતા આગ લાગી હતી. કોઈપણ પ્રકારની સેફટી અને સુરક્ષાના સાધનો વગર દુકાનની પાછળના ભાગે પ્લાસ્ટિકનો સ્ક્રેપ રાખવામાં આવ્યો હતો. તેમજ ફટાકડાનો સ્ટોક રાખવા માટે અશોક ખાનાની (રહે-ચતુરભાઈ પાર્ક સોસાયટી, વારસિયા રીંગ રોડ, વડોદરા)એ ફાયર બ્રિગેડમાંથી એનઓસી તથા સરકારી/અર્ધ સરકારી કચેરીમાંથી ફટાકડા રાખવા અંગેનું લાઇસન્સ ન મેળવી સેફટી સુરક્ષાના કોઈપણ સાધનો ઉપલબ્ધ ન રાખી ફટાકડાનો જથ્થો સંગ્રહ કરતા ફટાકડામાં આગ પ્રસરી હતી.

આરોપી નિઝામુદ્દીન શમશુદ્દીન શેખ (રહે. સાઇનાથ નગર, કરોડિયા રોડ, બાજવા,વડોદરા), શફીક સલીમભાઇ ધોબી (રહે. ગીરીરાજ સોસાયટી, પાણીગેટ, વડોદરા) અને અશોક રૂપચંદ ખાનાની (રહે.ચતુરભાઇ પાર્ક સોસાયટી, વારસીયા રિંગ રોડ, વડોદરા) સામે ગુનો નોંધીને કપુરાઇ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments