સિકંદરપુરા ગામમાં ધમધમતા દારૂના અડ્ડા પર SMCના દરોડા, બે મહિલા સહિત 3ની ધરપકડ

એસએમસીએ રેડ પાડતા વિસ્તારમાં ચકચાર, સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું

MailVadodara.com - SMC-raids-liquor-den-in-Sikandarpura-village-arrests-3-including-two-women

- પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા રૂપિયા 2.88 લાખનો દારૂ-બીયરનો જથ્થો, રૂપિયા 25 હજાર રોકડા મળી કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

શહેર નજીક આવેલા સિકંદરપુરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ધમધમતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી બે મહિલા સહિત ત્રણ બુટલેગરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા રૂપિયા 2.88 લાખનો દારૂ-બીયરનો જથ્થો, રૂપિયા 25 હજાર રોકડા મળી કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે, સિકંદરપુરા ગામમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળતા દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડતા જ નાશભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે આ બનાવમાં બુટલેગર મહિલાઓ દાડમબેન કનુભાઈ ભાલીયા, કિંજલબેન કિશનભાઈ ભાલીયા અને ભુપત પરસોત્તમ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે સંજય ઉર્ફે કનુભાઈ ભાલીયા, કિશન ઉર્ફે કેતન કનુ ભાલીયા અને વિશાલ કનુ ભાલીયાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ ઉપરથી 2,88,256 રૂપિયાની કિંમતની દારૂ તથા બિયરની 1710 બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત 25,474 રોકડા, 3 મોબાઈલ ફોન, 3 ટુ વ્હીલર મળી કુલ રૂપિયા 4,18,730 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સિકંદરપુરા ગામમાં ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર એસએમસીએ રેડ પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એસએમસીની રેડના પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન એસએમસી અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ઉપરાછાપરી દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. જેને લઈ બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments