વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી મહિલાને ઓનલાઇન રિવોર્ડ આપવાના બહાને તેમના ખાતામાંથી રૂપિયા 7.52 લાખ ઉપાડીને ઠગાઈ આચરવામાં આવી હતી. મહિલાએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં છેતરપિંડીની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના ભાયલી કેનાલ રોડ ઉપર આવેલી સાંગાણી સ્કાયઝમાં રહેતી મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, હું સ્ટેટીક અર્થીગ સોલ્યુશન પ્રા.લી નામની ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ માર્કેટિંગની કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કર છું. ગત 3 જુલાઈ 2024ના રોજ અમે ગોત્રી ખાતે ફોબિયોની ટ્રીટમેન્ટ માટે ગયા હતા. ત્યારે અમારા નંબર પર અજાણ્યા મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં રીવોર્ડ પોઇન્ટ રૂ. 9550 મળ્યા છે અને તે રિડિમ કરવા એક લિંક જોડે આવી હતી. એ લિંકને ઓપન કરતા તેમાં એક ફોર્મ ઓપન થયેલું અને તેમા ઇન્ટરનેટ બેકિંગના આઈ.ડી પાસવર્ડ અને રજીસ્ટર મોબાઈલ નંબર માંગ્યો હતો. જેથી અમે અમારા બેંકના ખાતા નંબર, આઈ.ડી અને પાસવર્ડ તથા રજીસ્ટર મોબાઈલ નંબર નાખ્યા હતા અને ત્યારબાદ તેઓએ અમારો પાનકાર્ડ નંબર માગ્યો હતો તે પણ અમે આપ્યો હતો.
તમામ ડિટેઇલ નાખ્યા બાદ રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવતા તે પણ નાખ્યો હતો. ત્યારબાદ બેંકના કસ્ટમર કેરમાંથી કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમે રૂ. 95000નું કોઈ ટ્રાંઝેક્શન કરેલું છે. જો તમે કરેલું હોય તો 1 દબાવો અને ના કરેલું હોય તો 2 દબાવો જેથી અમોએ 2 દબાવી ટિકિટ રેઇઝ કરી અમારું એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ અમે બેંકની એપ્લિકેશનમાં જઈ ચેક કરતા અમારા ખાતામાંથી ટુકડે ટુકડે કરીને રુપિયા 7.52 કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમારી સાથે ફ્રોડ થયો હોવાનો અહેસાસ થતાં 1930 પર ફોન કરી અરજી નોંધાવી હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઠગાઇ કરનાર ભેજાબાજની શોધખોળ હાથ ધરી છે.