વડોદરામાં વાર તહેવારે સામાજિક કાર્યકર તરીકે પોતાના ફોટા સાથે હોર્ડિંગ્સ મૂકતા ઘનશ્યામ ફુલ બાજે સહિત પાંચ જણાને વ્યાજખોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર પાસે આર્યા ગોવર્ધન ખાતે રહેતા સૃષ્ટિરાજ પવારને વર્ષ 2017 માં કહેવાતા સામાજિક કાર્યકર ઘનશ્યામ ફુલ બાજે સાથે પરિચય થયો હતો. ઘનશ્યામ ફુલબાજે પોતે ફાઇનાન્સનો ધંધો કરતો હોવાનું જણાવી રૂપિયાની જરૂર હોય તો કહેવા માટે ઓફર કરી હતી. દુકાનદારે ધંધા માટે જુદા-જુદા સમયે ઘનશ્યામ ફુલબાજે પાસેથી કુલ રૂપિયા 6 લાખ લીધા હતા અને તેની સામે 15 લાખથી વધુ રકમ ચૂકવી હતી. પરંતુ ત્યાર પછી પણ ઘનશ્યામ ફુલબાજે દ્વારા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને આ ઉપરાંત તેના માણસો પણ વેપારી પાસે રૂપિયા લેવા માટે જતા હતા. જેથી કંટાળેલા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં ગોત્રી પોલીસે ઘનશ્યામ પ્રભાકર ફૂલ બાજે (રહે. કલ્યાણ નગર, આજવા રોડ), ક્રિષ્ના ભીખાભાઈ કહાર (રહે. કહાર મહોલ્લો, ફતેપુરા), કિરણ રમેશભાઈ માછી (રહે. પટેલ ફળિયા, નાગરવાડા), સન્ની કમલેશભાઈ (રહે. ચિંતેખાનની ગલી, ગેડીગેટ દરવાજા) અને નરેન્દ્ર જગ મોહન પંડિત (રહે. આશીર્વાદ સોસાયટી, હરણી રોડ) ને ઝડપી પાડ્યા છે.