- શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદન આપ્યું
ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાના તઘલખી નિર્ણયના વિરોધમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ શરૂ કરવાની માંગ કરી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમા જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે. આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે 1 જુલાઈ, 2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75 ટકા અને 25 ટકા રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે, અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાની વિશેષતા એ હતી કે, મેનેજમેન્ટ ક્વોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને.
આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે. ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક (અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મેટ્રિક પછી મેનેજમેન્ટ ક્વોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય ગુજરાત સરકારના 28 ઓક્ટોબર, 2024ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રથી લેવામાં આવ્યો છે.
સરકારના આ ઠરાવ મુજબ થયેલા નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા, એમ.બી.એ., એમ.સી.એ., એમ.ઈ. અને એમ.ફાર્મથી લઈને અનેક પેરામેડિકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઈને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા. આવા લાભ લેનારા મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય શિષ્યવૃત્તિના કારણે ઉજ્જવળ બનતું હતું. આવા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય કરી દેનારો ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે નીંદનીય છે. ટેકનીકલ કોર્સમાં જ આ વર્ષે જોઈએ તો આદિવાસી સમાજમાંથી આવતા એસટી કેટેગરીના 3700 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધેલો છે, જેઓને હવેથી શિષ્યવૃત્તિ નહીં મળે. સરકાર તાત્કાલિક પોતાનો આ તઘલખી નિર્ણય રદ્દ કરે અને આદિવાસી સમાજમાંથી આવતા બાળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે, તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવે છે.