- ડભોઇ દશાલાડ ભવન પાસે સવારે ગેસ લાઇન લીકેજ થતાં 500 પરિવારજનોને સવારે એક કલાક સુધી ગેસ પુરવઠો ન મળતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા
વડોદરા મહાનગરપાલિકા હસ્તકની પાણી પુરવઠા શાખા ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ સમા-નોર્થ હરણી વિસ્તારમાં ઊર્મિ સ્કુલ ચાર રસ્તા (અબેકસ સર્કલ)થી નોર્થ હરણી પાણીની ટાંકી સુધી નવિન 600 મીમી વ્યાસની એચ.એસ. ફીડર નળિકા નાંખવાની ચાલી રહેલી કામગીરીના કારણે આજે 7 લાખ લોકોને પાણી પુરવઠો મળી શક્યો ન હતો. આ ઉપરાંત ડભોઇ દશાલાડ ભવન પાસે સવારે ગેસ લાઇન લીકેજ થતાં 500 પરિવારજને ગેસ પુરવઠો ન મળતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
વડોદરા કોર્પોરેશનની પાણી-પુરવઠા શાખા દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન અંતર્ગત વડોદરા શહેરના ઉત્તર ઝોન, વહીવટી વોર્ડ નંબર 3માં સમાવિષ્ટ સમા-નોર્થ હરણી વિસ્તારમાં ઊર્મિ સ્કૂલ ચાર રસ્તા (અબેકસ સર્કલ)થી નોર્થ હરણી પાણીની ટાંકી સુધી નવિન 600 મીમી વ્યાસની એચ.એસ.ફીડર નળિકા નાંખવાના કામે અબેકસ સર્કલ પાસે પસાર થતી મહીસાગર નદીના ફ્રેન્ચવેલ (રાયકા-દોડ્કા)ની હયાત 1354 મીમી વ્યાસની ફીડર નળીકાનું નવીન 600 મીમી વ્યાસ એચ. એસ. ફીડર નળીકા સાથે જોડાણની કામગીરી તા. 25/11/2024 ના રોજ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીના કારણે શહેરની આજવા ટાંકી, નોર્થ હરણી ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, એરપોર્ટ બુસ્ટર, દરજીપુરા બુસ્ટર, વારશીયા બુસ્ટર, ખોડિયારનગર બુસ્ટર, બકરાવાડી બુસ્ટર, નવીધરતી બુસ્ટર, વ્હીકલપુલ બુસ્ટર, જૂનીગઢી બુસ્ટર, સાધના નગર બુસ્ટર, સંખેડા દશાલાડ બુસ્ટર, કારેલીબાગ ટાંકી, પાણીગેટ ટાંકી, જેલ રોડ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીગંજબાગ ટાંકીના કમાંન્ડ વિસ્તાર અને સંલગ્ન બુસ્ટરમાં તા. 25/11/2024ના રોજ સાંજના ઝોનમાં પાણી વિતરણ કરવામાં ન આવતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. લોકોને પાણીની ટેન્કરો મંગાવવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત આજે સવારે વાઘોડિયા રોડ ડભોઇ દશાલાડ ભવન પાસે અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં વિસ્તારના 500 પરિવારજનોને સવારે એક કલાક સુધી ગેસ પુરવઠાથી વંચિત રહેવાની ફરજ પડી હતી. ગેસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ગેસ લાઇન લીકેઋની કામગીરી પૂર્ણ કરી શરૂ કરી દેવામાં આવી હતી. અને એક કલાક જેટલા સમયમાં ગેસ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો.