- ડેમમાંથી છોડેલા લાખો ક્યુસેક પાણીથી પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી
યાત્રાધામ ચાંદોદ સહિત પંથકમાં ગામોમાં ભયાવહ પૂરની સ્થિતિ બાદ પાણી ઓસરવા લાગતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. ડેમમાંથી છોડેલા લાખો ક્યુસેક પાણીના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદ તેમજ ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી સરદાર સરોવરમાં ઠલવાતાં ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચતાં શનિવારે ડેમમાંથી ક્રમશ 19 લાખ ક્યુસેક ઉપરાંત પાણી નર્મદા નદીમાં છોડવાની શરૂઆત કરાઈ હતી.
જેના પરિણામે ડભોઇના ચાંદોદ, કરનાળી, નંદેરીયા, ભીમપુરા જેવા કાંઠા કિનારાના ગામોમાં શનિવારે મોડી રાતથી જ પાણી પ્રવેશવા લાગ્યા હતા. રવિવારની સવાર સુધીમાં લગભગ ચાંદોદના બધા જ વિસ્તારમાં રહેણાંક તેમજ બજાર વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. માલ સામાન- ઘરવખરીના નુકસાનની સાથે સૌ કફોડી સ્થિતિમાં મુકાયા હતા. જો કે 24 કલાક પૂરની સ્થિતિ રહ્યા બાદ રવિવારે મોડી રાતથી પૂરના પાણી ઉતરવા લાગ્યા હતા. સોમવાર સાંજ સુધીમાં પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના 5 પગથિયા પાણીની બહાર આવી ગયા હતા. પાણી ઓસરતાં રહેવાસીઓ સહિત દુકાનદારો પૂરમાં ધસી આવેલ માટી અને કચરાની સાફ-સફાઈમાં જોતરાઇ ગયા છે. રોગચાળાની સ્થિતિ સર્જાય તે પહેલાં તંત્ર પણ સક્રિય બન્યું છે. ચાંદોદમાં પૂરની પરિસ્થિતિ બાદ દરેક સ્થળે ગંદકી જોવા મળી રહી છે.