- 1.85 લાખ ચૂકવ્યા બાદ મહિલાને ટૂરમાં જવાની તારીખ આપી હોવા છતાં મોકલ્યા ન હતા, બાદમાં ઠગ મહિલાને અલગ અલગ તારીખ આપતો હતો
વડોદરાની મહિલાએ માનસરોવર ફરવા જવા માટે ન્યૂઝ પેપરમાં જાહેરાત જોઈ હોલી-ડે પેકેજ માટે ભારત હોલી-ડે ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટુર ઓર્ગેનાઇઝરનો સંપર્ક કર્યો હતો. રૂપિયા 1.85 લાખ ચૂકવ્યા છતાં પણ ટૂર ઓર્ગેનાઇઝર ઠગ મહિલાને અલગ અલગ તારીખ આપતો હતો. બાદમાં મહિલાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા અંતે પોલીસનો સહારો લીધો છે. રૂપિયા ચૂકવવા છતાં હોલી-ડે પેકેજનો લાભ ન મળતા મહિલાએ આખરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ટૂર ઓર્ગેનાઇઝર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા લીલાબેન વિનોદભાઈ ૫રમારે સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જણાવ્યું હતું કે, અમારે માનસરોવર ખાતે યાત્રા કરવા માટે જવાનું હતું. આ અંગે ન્યુઝ પેપરમાં જાહેરાત આવી હતી. જેના આધારે અમે ભારત હોલી-ડે ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટુર ઓર્ગેનાઇઝર (ઓફિસ 104, પહેલો માળ, ગાર્ડન વિષ્ણુ સેમ્બર્સ, કાલાઘોડા સર્કલ, સયાજીગંજ, વડોદરા) ખાતે આવ્યા હતા. તેના ઓર્ગેનાઇઝર કલ્પેશભાઈ પનાર (ટી-503, સરદાર નગર યોજના નારણપુરા, અમદાવાદ) હતા, તેઓ હોલી-ડે પેકેજ ઉપર ટૂર યાત્રામાં મોકલી આપતા હોય જેથી તેઓનો સંપર્ક કર્યો હતો.
આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, માનસરોવર જવા માટે 14 દિવસનું પેકેજ છે અને મહિને ઓર્ગેનાઈઝ થશે. આ પેકેજ માટે રૂપિયા 1.85 લાખ થશે. આ પેકેજને લઈ મારા દીકરા દિલીપને વાત કરતા તેણે પેકેજના રૂપિયા ગૂગલ દ્વારા ચાર ટ્રાન્જેક્શનમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ ટૂરમાં જવાની તારીખ આપી હોવા છતાં મને માનસરોવરની યાત્રામાં મોકલી આપી નહોતી. આ અંગે કલ્પેશભાઈનો વારંવાર સંપર્ક કર્યો હતો, છતાં પણ યોગ્ય જવાબ મળ્યો નહોતો. તેણે બે વખત અલગ અલગ તારીખ આપી હતી છતાં પણ અમને માનસરોવર યાત્રામાં મોકલ્યા નહોતા અને અમારી સાથે રૂપિયા 1.85 લાખ લઈ છેતરપિંડી આચરી હતી.
આ મામલે ભોગ બનનાર મહિલાએ સયાજીગંજ પોલીસ મથકમાં છેતરપિંડી આચરનાર ટૂર ઓર્ગેનાઇઝર કલ્પેશભાઈ પનાર સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે સયાજીગેજ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.