વડોદરા શહેરમાં ચારે બાજુએ જાહેર રોડ સહિત અંતરિયાળ રોડ પર ગેરકાયદે દબાણનો રાફડો ઠેર ઠેર ફાટી નીકળ્યો છે ત્યારે કારેલીબાગ દીપિકા ગાર્ડન આસપાસના વિસ્તારમાં ખડકાયેલી ગેરકાયદે 15 જેટલી લારીઓ ખસેડી લેવા અંગે પાલિકા તંત્રએ ચેતવણી તમામને ત્યાંથી ખદેડી દેવામાં આવ્યા હતા. તમામ લારીઓ મોટાભાગે ખાણીપીણી અને પાન-પડીકી, તમાકુની હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કારેલીબાગ વિસ્તારમાં આવેલા મોરારજી દેસાઈ નિસર્ગોપચાર કેન્દ્ર પાસે દીપીકા ગાર્ડન આવેલો છે જ્યાં વહેલી સવારે અને મોડી સાંજ સુધી સિનિયર સીટીઝનો સહિત સૌ કોઈ સવારે મોર્નિંગમાં તેમજ સાંજે વોકિંગ કરતા હોય છે. ત્યારે બહારની બાજુએ કેટલાક યુવક-યુવતીઓ પણ પોતપોતાના વાહનો પાર્ક કરીને બેઠા હોય છે. આ ગાર્ડનની સામેની બાજુએ અને લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલની દીવાલે કેટલીક લારીઓ ગેરકાયદે મૂકીને કેટલાક લોકો ખાણીપીણી અને પાન-પડીકી તમાકુનો વેપાર ધંધો ખુલ્લેઆમ કરતા હોય છે.
આ અંગેની વારંવાર ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી. પરિણામે દબાણ શાખાની ટીમે સમી સાંજે અને વહેલી સવારે દિવસમાં બે વાર ચેકિંગ કરીને ઘટના સ્થળે ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો કરનારાઓને ખદેડી દઈને ફરી વખત દબાણ નહીં કરવા ચીમકી પણ આપી હતી. અન્યથા લારીઓ કબજે કરી લેવાશે એમ પણ જણાવ્યું હતું.