- આ અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે આરોપી પાસેથી રૂપિયા 7 કરોડથી વધુ કિંમતની 115 કાર રિકવર કરી મૂળ માલિકોને પરત આપી હતી
વડોદરા શહેરના ડભોઈ રોડ પર સોમા તળાવ વિસ્તારમાં રત્નદીપ ગ્રીન સોસાયટીમાં રહેતાં મનીષ અશોક હરસોરાએ કાર ભાડે લઇ કંપનીમાં મુકવા માટેની ઓફિસ ઘરમાં જ શરૂ કરી હતી. તેણે ઓફિસે એવું પણ બોર્ડ મૂક્યું હતું કે, કાર ભાડે મુક્ત અને વધું ભાડું મેળવો. આ ઉપરાંત પોતાની એજન્સીમાં કાર ભાડે મુકનારાઓ દ્વારા માર્કેટિંગ કર્યું હતું. થોડા મહિના સુધી ભેજાબાજ મનીષ હરસોરાએ કરારમાં નક્કી થયા મુજબનું ભાડું ચૂકવ્યું હતું. જોકે, મોટાભાગના કાર માલિકોને ભાડું ચુકવવાનું બંધ થતાં હરસોરાનું કારસ્તાન સપાટી પર આવ્યું હતું. વિવિધ કંપનીઓમાં કાર મુકીને ઉંચું ભાડું આપવાની લાલચ આપી મોટી સંખ્યામાં કાર લઇને ગઠિયા ફરાર થઈ ગયા હતા. ઓફિસ અને ઘર બંધ કરીને મનીષ હરસોરા ગાયબ થઇ જતાં અનેક કાર માલિકો અટવાઈ ગયા હતા. પાણીગેટ પોલીસ મથકે આરોપીઓએ છેતરપિંડીથી કાર લઈને ગુમ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
આરોપીઓએ 120 નાગરિકો પાસેથી 120 ગાડીઓની છેતરપિંડી કરીને માસિક ભાડા પર ગાડીઓ લીધી હતી અને આ ગાડીઓ જુનાગઢ, સુરત અને મધ્યપ્રદેશ સહિતના સ્થળોએ ગીરવે મૂકીને રૂપિયા લીધા હતા. લોકોએ લોન પર ગાડીઓ લઈને આપી હતી. શરૂઆતમાં રૂપિયા આપ્યા હતા. જોકે, પાછળથી રૂપિયા આપવાનું બંધ કરી દીધુ હતું. ગાડીઓ પાછી ન મળતા તેના મૂળ માલિકો હતાશ થઈ ગયા હતા. પોલીસે 115 ગાડીઓ રિકવર કરી છે અને મૂળ માલિકોને પાછી આપી હતી.
ભાડેથી વાહનો મેળવ્યા બાદ વાહનોને બારોબાર ગીરવે મૂકી દેવાના ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરીને તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે આરોપી પાસેથી 7 કરોડથી વધુની કિંમતની 115 કાર રિકવર કરી હતી. વડોદરા પોલીસે કોર્ટમાંથી પરમિશન લઇને કારો મૂળ માલિકોને પરત કરી હતી.
આરોપી મોહમ્મદ વસીમ શેખ સામે અગાઉ સુરત, વલસાડ, વડોદરા ખાતે ઠગાઈ તેમજ પ્રોહિબીશનના 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 2020માં વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનામાં નાસતો ફરતો હોવાનું પણ બહાર આવ્યું છે. આ ગુનામાં ઠગાઈમાં ભોગ બનેલા નાગરીકો પાસેથી ભાડે ફેરવવાના બહાને વાહનો મુખ્ય આરોપી દિપક રૈયાણી અને મનિષ હરસોરાએ મેળવ્યા બાદ જુદાં જુદાં વ્યક્તિઓને ગીરવે તેમજ વેચી નાખેલી હતી, જે પૈકીના ત્રણ ફોર વ્હીલર વાહન આરોપી મોહંમદ વસીમ શેખે ગીરવે લીધા બાદ વગે કર્યા હતા. આ વાહનો રિકવર કરવા અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એક આરોપી મનિષ હરસોરા હરિદ્વારથી પકડાયો હતો અને દીપક રૈયાણી સુરતથી પકડાયો હતો. આ ઉપરાંત અન્ય 4 આરોપીઓ પણ પકડાયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 5 વાહનો સાથે નાસતા ફરતા આરોપી મોહંમદવસીમ મોહંમદફરીદ શેખ (રહે, તાજ સોસાયટી, મોરા ભાગોળ, રાંદેર, સુરત)ને શોધી કાઢીને તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.