કરન્સી ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરાવી 20% નફો આપવાની લાલચે ઠગોએ બિઝનેસમેનના 75.80 લાખ પડાવ્યા

માંજલપુરમાં રહેતા બિઝનેસમેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 75-80-lakhs-from-a-businessman-cheated-by-the-lure-of-currency-trading

- બિઝનેસમેને રૂપિયા વિડ્રો કરવા માટેનું કહેતા ભેજાબાજોએ તેના માટે 30 ટકા ટેક્સ ભરવો પડશે તેમ જણાવતા છેતરપિંડી થઇ હોવાની ખબર પડી

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા બિઝનેસમેનને કરન્સી ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને 10થી 20 % નફો આપવાની લાલચ આપી ભેજાબાજોએ તેમની પાસેથી 75.80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બિઝનેસમેને આ રૂપિયા વિડ્રો કરવા માટેનું કહેતા તેના માટે 30 ટકા ટેક્સ ભરવો પડશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ બિઝનેસમેનને છેતરપિંડી થઈ હોવાની ખબર પડી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા બિઝનેસમેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જુન મહિનામાં હું એક વેબસાઇટ જોતો હતો, ત્યારે મને એક મેસેજ આવ્યો હતો, જેમાં એક આઇડી પરથી મને મારુ ટેલીગ્રામ ID માંગ્યું હતું, જેથી મેં તેઓને મારુ ટેલીગ્રામ ID આપ્યું હતું. ત્યાર બાદ મને એક ટેલીગ્રામ ID પરથી મેસેજ આવ્યો હતો અને મારી સાથે પહેલા સામાન્ય વાત કરી હતી, જેમાં મારા પરિવાર તેમજ બિઝનેસ વિશે વાત થઈ હતી. ત્યાર બાદ સામે વાળી વ્યક્તિએ પોતાનું નામ શ્રુતીકા રાણા જણાવ્યું હતું અને મને કહ્યું હતું કે, હું કરન્સી ટ્રેડિંગમાં ઓનલાઇન ટ્રેડિંગનું કામ કરુ છું, જેમાં મને દરેક ટ્રેડિંગમાં 10થી 20% નફો મળશે, જેથી મેં હા પાડી હતી. ત્યારે તેણે મને કહ્યું હતું કે, તેના માટે તમારે કરન્સી ટ્રેડિંગનું એક એકાઉન્ટ બનાવવુ પડશે અને હું તમને તેના માટે બીજી એક ટેલીગ્રામ IDની લિંક મોકલુ છું, જેમાં તમે જોઇન થઈ જાવ તેમ કહી મને એક ટેલીગ્રામ IDની લિંક મોકલી હતી. જેમાં જોઇન થયો હતો. જે આઇડીમાં મને એક લિંક આપી હતી, જેમાં મને મારી ડીટેઈલ ભરવા કહ્યું હતું. મે મારી ડીટેઈલ ભરી હતી તેમજ મારુ આધાર કાર્ડ ઓનલાઇન સ્કેન કર્યું હતું. ત્યાર બાદ મારુ કરન્સી ટ્રેડિંગનું એકાઉન્ટ ઓપન કરી આપ્યું હતું. ત્યાર બાદ મને ટ્રેડિંગ માટે શ્રુતીકા રાણા ટીપ્સ આપતી હતી, જેથી હું મારા એકાઉન્ટમાં ટ્રેડ કરતો હતો, ત્યાર બાદ થોડા થોડા દિવસે તે લિંક બંધ થઇ જતી હતી. પહેલા મેં 20,000 રૂપિયાનું કરન્સી ટ્રેડિંગ કર્યું હતું. જેમાં મેં 2400 રૂપિયા પ્રોફિટ વિડ્રો કર્યા હતા. ત્યાર બાદ મેં એક લાખ રૂપિયાનું ટ્રેડિંગ કર્યું હતું. જેમાં મને 40 હજાર રૂપિયા પ્રોફિટ થયો હતો. જેથી મને વિશ્વાસ આવી ગયો હતો કે, હું જે ટ્રેડિંગ કરું છું, તે વિડ્રો પણ થાય છે ત્યાર બાદ મને આ ટેલીગ્રામ વાળાએ અલગ અલગ તારીખે અલગ અલગ બેંક ખાતા મોકલી અલગ અલગ કરન્સીમાં ટ્રેડ કરવા જણાવ્યું હતું.

આમ, તેઓના કહેવા પ્રમાણે મેં તેઓએ આપેલા અલગ અલગ બેંક ખાતામાં કુલ રૂ. 75,80,000 કરન્સી ટ્રેડિંગના નામે ભરાવી જેના પ્રોફિટ સાથે કુલ રૂ. 4,73,259 રૂપિયા બતાવતો હતો. આ રકમ ડોલરમાં બતાવતી હતી. તે વિડ્રો કરવા મેં જણાવ્યું હતું, જેથી તેઓએ મને કહ્યું હતું કે, તમારે તે વિડ્રો કરવા માટે તેના બીજા 30 ટકા ટેક્ષ ભરવો પડશે તો જ તમે તે વિડ્રો કરી શકશો. જેથી મે કહ્યું હતું કે, હું ઓનલાઇન ઇન્કમટેક્ષની વેબસાઇટ ઉપર ભરીને તેમને તેની રીસીપ્ટ મોકલી આપું તેમ જણાવતા તેઓએ મને કહ્યું હતું કે, અમે તમને જે બેંક ખાતુ આપીએ તેમા જ ભરવો પડશે. આ બાબતે મે મારા મિત્રને વાત કરતા મારા મિત્રએ મને કહ્યું હતું કે, આ બધુ ફ્રોડ છે અને તમે સાયબર ક્રાઇમની ફરિયાદ આપી દો, જેથી મે ઓનલાઇન સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન 1930 ઉપર અરજી કરી હતી અને મારા ભરેલા રૂપિયા આજ દિન સુધી મને પરત મળ્યા નથી. જેથી મેં આ મામલે વડોદરા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments