- ફટાકડાના 51 સ્ટોલ મેળવવા માટે તા.21મી સુધીમાં 18 અરજી આવી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોમાં ફટાકડાના વેચાણ માટે કોર્પોરેશન હસ્તકના ટીપી સ્કીમના ફાઈનલ પ્લોટ પર ફટાકડાના સ્ટોલ ઉભા કરવા માટે આજે જાહેર હરાજી કરાઈ હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફટાકડાના સ્ટોલ મેળવવા માટે તારીખ ૨૧ સુધીમાં ધંધાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવતા ૧૮ અરજી આવી હતી. ફાઈનલ પ્લોટમાં સ્ટોલ નક્કી કરેલા ૧૦ x ૧૦ ચો. ફુટ માપની જગ્યા ચોક્કસ મુદત માટે હંગામી ધોરણે લાયસન્સ ફી લઈને અપાશે. જાહેર હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટ ૫૦,૦૦૦ રાખી હતી.
આ હરાજીમાં જે કોઈને સ્ટોલ માટે જગ્યા મળે તે વેપારીએ જાતે ફાયર બ્રિગેડ અને પોલીસની એનઓસી મેળવવાની રહે છે. ગયા વર્ષે ૧૨ અરજદારોએ જાહેર હરાજીમાં ભાગ લીધો હતો અને કોર્પોરેશનને ૮.૮૭ લાખની આવક થઈ હતી. આ વખતે ૫૧ સ્ટોલ માટે અરજી મગાવતા ૧૮ અરજી આવી હતી. કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં ડે. મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને હરાજી રાખતા ૧૭ પ્લોટો પૈકી ૬ પ્લોટોમાં ૧૨ સ્ટોલ માટે મહત્તમ બોલીની રકમ બોલાઈ હતી. જેની કોર્પોરેશનને ૮.૭૯ લાખની આવક થઈ હતી. કોર્પો.એ ૫૧ સ્ટોલ માટે હરાજી રાખી હતી, પરંતુ માત્ર ૧૨ની જ થઈ શકી એટલે કે ધંધાર્થીઓએ સ્ટોલ માટે બહુ રસ દર્શાવ્યો ન હતો.