વડોદરા કોર્પોરેશને દુકાનને મારેલું સીલ લઘુમતી કોમના વેપારીએ તોડી નાખ્યું, હોબાળો થતાં ફરીવાર સીલ માર્યું

દોઢ વર્ષ પૂર્વે સિંધી વેપારીએ દુકાન લઘુમતી કોમના વ્યક્તિને વેચતાં હોબાળો થયો હતો

MailVadodara.com - Vadodara-Corporation-breaks-seal-on-shop-by-minority-com-trader-re-seals-amid-uproar

- દોઢ વર્ષ પૂર્વે કોર્પોરેશને દુકાનને મારેલું સીલ લઘુમતી કોમના વેપારીએ 15 દિવસ અગાઉ તોડી નાખતા આજે વોર્ડ ઓફિસરે દુકાનને ફરી સીલ કરી!

શહેરના નવા બજાર વિસ્તારમાં દોઢ વર્ષ પૂર્વે એક દુકાન લઘુમતી કોમના વ્યક્તિને વેચાણ કરવામાં આવતા હોબાળો સર્જાયો હતો. જે બાદ તે સમયે વોર્ડ ઓફિસરે સીલ મારી દીધું હતું. તે બાદ તાજેતરમાં દુકાનદારે સીલ ખોલી નાખતા ફરી સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. જે અંગે મેયર ડેપ્યુટી મેયર સમક્ષ રજૂઆત થતાં તેમણે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા-વિચારણા કરી આખરે આજે ફરી સીલ મારી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.


વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં દોઢ વર્ષ પૂર્વે એક સિંધી સમાજના વેપારીએ પોતાની દુકાન એક લઘુમતી કોમના વ્યક્તિને વેચાણથી આપી દીધી હતી. જે અંગેનો વિવાદ સર્જાતા સ્થાનિક ભાજપના કોર્પોરેટર સચિન પાટડીયા, પૂર્વ કોર્પોરેટર મીનેશ શાહ સહિત કાર્યકર્તાઓએ વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરી હતી કે, લઘુમતી કોમના વેપારીને દુકાન વેચાણ કરી હોવાથી અશાંત ધારાનો ભંગ થયો છે, જેથી આ દુકાનને સીલ મારી દેવું જોઈએ. આ રજૂઆત બાદ તે વખતના વોર્ડ ઓફિસરે તાત્કાલિક અસરથી સીલ મારી દીધું હતું. 

દોઢ વર્ષ સુધી દુકાને સીલ વાગેલું રહ્યું હતું પરંતુ તાજેતરમાં 15 દિવસ અગાઉ લઘુમતી કોમના વેપારીએ ફરી જાતે જ સીલ તોડી નાખ્યું હતું. જેથી સ્થાનિક ભાજપના આગેવાનોમાં રોષ વ્યાપ્યો હતો અને ફરી તેઓએ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ત્યારે માલિકીના પુરાવાનો વિવાદ થયો હતો. જેથી ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ મેયર, ડેપ્યુટી મેયર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ આજે સવારે કોર્પોરેશનના વોર્ડ ઓફિસરે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ફરી સીલ મારી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments