મંગળબજારમાં દબાણ શાખા દ્વારા અવારનવાર હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ બજાર બંધ રાખ્યું

દિવાળી પૂર્વે જ પાલિકાની દબાણ શાખા દ્વારા કરાતી કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે નારાજગી

MailVadodara.com - Traders-shut-the-market-alleging-frequent-harassment-by-the-pressure-branch-in-Mangalbazaar

- આ બંધ બાદ પણ જો પાલિકાનું તંત્ર નહિ જાગે તો આગામી સમયમાં વેપારીઓએ લાંબો સમય પાળીને વિરોધ નોંધાવવા માટેની તૈયારી દર્શાવી : મંગળબજાર પૂર્વ વિભાગના પ્રમુખ


સામી દિવાળીએ એક તરફ બજારમાં ખરીદારીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. તેવામાં વડોદરાના પ્રાણસમા મંગળબજારમાં વેપારીઓને પાલિકા તંત્ર દ્નારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની ઘટના સામે આવી છે. જેના વિરોધમાં આજે વેપારીઓ દ્વારા ટુંકા ગાળા માટે બંધ પાળવામાં આવ્યું છે. આગામી સમયમાં જો આ બંધ બાદ પણ તંત્ર નહિ જાગે તો બંધ લાંબો સમય પાળીને વિરોધ નોંધાવવા માટેની વેપારીઓની તૈયારી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

મંગળબજાર પૂર્વ વિભાગના પ્રમુખ જય ઠાકોરે જણાવ્યું કે, આજે સવારથી દબાણશાખાની ટીમ આવી હતી. અગાઉ પણ તેઓ આવ્યા હતા. તેમના દ્વારા મંગળબજારના વેપારીઓ જોડે ગેરવર્તણુંક કરવામાં આવી છે. ગૃહમંત્રી દ્વારા પણ વેપારીઓને વેપાર-ધંધો કરવા માટે જણાવાયું છે. માંડ કોરોના કાળ પછી વેપારીઓ તેમના પગપર ઉભા થઇ રહ્યા છે, તે સમયે ફરીથી પાલિકાની દબાણશાખાના લોકો કમર તોડવા આવી ગયા છે. તહેવારોને ધ્યાને રાખીને વેપારીઓ દ્વારા માલ-સામાન ભરવામાં આવ્યો છે. કોઇ સમસ્યા નથી, છતાં દબાણશાખાના લોકો વારંવાર અહિંયા આવે છે, હેરાનગતિ કરે છે. તેના વિરોધમાં આજે મંગળબજારના તમામ વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ 2 વાગ્યા સુધી બંધ પાળવામાં આવ્યો છે. જો કોર્પોરેશનની આંખો નહિ ખુલે તો સખત બંધ પાળવામાં આવશે. હજારો ગ્રાહકોએ પાછા જવું પડી રહ્યું છે. અમે તમામની ક્ષમા માંગી રહ્યા છીએ. અત્યારે તો કોર્પોરેશનની હાય હાય કરવાનો વારો આવ્યો છે, આવનાર સમયમાં સરકારની હાય હાય પણ કરવી પડે તો નવાઇ નહિ.


વધુમાં જય ઠાકોરે ઉમેર્યું કે, દિવાળી ટાણે વેપારીનું ટેન્શન દુર કરવાનું હોય, ત્યારે વેપારીઓને હેરાનગતિ ન થાય તેમ કરવા અમારી રજૂઆત છે. અમારો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે બે વાગ્યા સુધી બંધ પાળવામાં આવ્યો છે. મંગળબજારનો ઇતિહાસ છે, જ્યારે જ્યારે મુશ્કેલી આવી છે, ત્યારે વેપારીઓએ એકત્ર થઇને નિર્ણયો લીધા છે. અને સરકારે તેમની વાત માનવી પડી છે. બંધ પાળવાને કારણે નુકશાન અમને જ જવાનું છે, પરંતુ અમે હેરાનગતિ ભોગવી રહ્યા છીએ. પાલિકાના કર્મીઓ અને વેપારીઓ વચ્ચે હોહા થઇ જાય છે, જેથી ગ્રાહક ઝઘડો થયો તેમ સમજીને નાસી જાય છે. અમને વારંવાર આ પ્રકારની હેરાનગતિ થાય છે. અમે શાંત રીતે આજે બંધ પાળ્યું છે. આગામી સમયમાં ત્રણ દિવસ સુધી બંધ પાળવાની તૈયારી છે.

Share :

Leave a Comments