વડોદરા મહાનગર પાલિકાએ ગુજરાત સ્થાપના દિવસ અને યોગ દિવસની ઉજવણી પાછળ અંદાજે રૂ.૩૨ લાખનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ ચુકવણી કરવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમા રજૂ કરવામાં આવી છે.
વડોદરા મહાનગર પાલિકાએ સ્થાપના અને યોગ દિવસની ઉજવણી પાછળ અંદાજે રૂ.૩૨ લાખ ખર્ચી કાઢ્યા છે. ૧ મેં ના રોજ ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પૂર્વ સંધ્યા અને સ્થાપના દિવસ મળી બે દિવસ દરમ્યાન થઈ હતી. જેમાં ઐતિહાસિક ઇમારતો ને લાઇટિંગ સહિત અન્ય કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણી પાછળ અંદાજે રૂ.૭ લાખનો ખર્ચ થયો હતો. ગત ૨૧ જૂન ના રોજ નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંદાજે રૂ. ૨૦ લાખનો ખર્ચ થયો હતો.
જયારે ગત ૨૯ જૂને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂ.૫ લાખનો ખર્ચ થયો હતો. આમ વિવિધ કાર્યકરોમો પાછળ પાલિકાએ રૂ.૩૨ લાખનો ખર્ચ કર્યો હતો. આ તમામ ખર્ચ ની મંજૂરી મેળવી ઇજારદાર ને બિલ ચૂકવવાની મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જો કે મંજૂરી એ ઔપચારીકતા જ રહેશે એ પણ નક્કી છે.