- વિશ્વામિત્રી રોડ પર યુવતી ને હેરાન કરતા લુખ્ખાઓ આંધળા સીસીટીવી માં ઓળખાયા નહિ..!
- રાવપુરા અને માંજલપુર પોલીસે પ્રયત્નો કર્યા પણ પાલિકાના આંધળા કેમેરા સામે હારી ગયા..!
વડોદરા શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા ૧૧ કરોડ ના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કે કેમેરા કેટલા કારગત છે એ સૌથી મોટો પ્રશ્ન છે. શું આંધળા કેમેરા પાછળ અગિયાર કરોડનું આંધણ કર્યું...?
વડોદરા શહેરની સલામતીની ચિંતા કરી સરકારે સ્માર્ટ સીટી અંતર્ગત સીસીટીવી લગાવવાનું નક્કી કર્યું. આ જવાબદારી સોપાઈ પાલિકાને અને પાલિકાએ આ જવાબદારી સોંપી સ્માર્ટસીટી પ્રોજેક્ટ ના આઇટી વિભાગ ને. શહેરમાં રૂપિયા ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧૦૦ જેટલા કેમેરા શહેરના વિવિધ જંક્શનો તથા વિવિધ પોઇન્ટ પર લગાવવામાં આવ્યા. સીસીટીવી કેમેરા લગાવવા પાછળનો સરકાર નો મુળ ઉદેશ હતો સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માં કેમેરા મદદરૂપ થાય. જો કે અમે અનુભવેલા એક બનાવે આ સીસીટીવી ની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. આજથી આશરે એક વર્ષ અગાઉ વિશ્વામિત્રી બ્રિજ તરફથી એક્ટિવા પર આવી રહેલી યુવતી પાછળ ચાર થી પાંચ જુદા જુદા ટુ-વ્હીલર પર આઠ થી દશ ની સંખ્યામાં યુવકો તેમના વાહનો ચિચયારી મારી દોડાવી રહ્યા હતા. યુવતી ડરી ને તેની એક્ટિવા પૂરઝડપે ભગાવી રહી હતી. આ દ્રશ્યો અમે અમારી નજરે જોતા એ યુવકો ને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જે ઝડપે એ લોકો ચલાવી રહ્યા હતા એ ઝડપે એમને ઓવર ટેક કરી રોકવા મુશ્કેલ હતા. અવધૂત ફાટક પાસે થી યુવતી ટર્ન મારી માંજલપુર બાજુ ગઈ હતી અને યુવકોનું ટોળું તેની પાછળ હતું. અમે અવધૂત ફાટક પાસે ઉભા રહી પોલીસ કન્ટ્રોલમાં બનાવ ની જાણ કરી હતી.
જો કે માંજલપુર પોલીસ આવે તે પહેલા યુવકો આગળ નીકળી ગયા હતા. અમે પોલીસ સાથે અવધૂત ફાટક થી ઇવા મોલ સુધી ગયા હતા. આ બનાવની ગંભીરતા સમજી અમે બીજા દિવસે રાવપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને કંટ્રોલ રૂમમાં સીસીટીવી ચેક કર્યા હતા. જો કે સીસીટીવી માં કાંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. અમે પાલિકાના કન્ટ્રોલ કમાન્ડ સેન્ટર ખાતે લાગેલા મોનીટર માં અવધૂત ફાટક સામે ડીવાઇડર પર લાગેલા અને ઇવા મોલ સામે ડીવાઇડર પર પાલિકાના સીસીટીવી તપાસ્યા હતા. જો કે અહીં પણ કેમેરામાં સ્પષ્ટ કઈ દેખાતું ન હતું. આ એ સમયના દ્રશ્યો છે, જેમાં બાઈક દેખાય છે પરંતુ નંબર દેખતો નથી. દ્રશ્યો એટલા ધુઘણા છે કે બાઈક કે સ્કૂટર કઈ કંપનીનું છે એ પણ જણાતું નથી. પોલીસની અને અમારી મહેનતના અંતે આંધળા સીસીટીવી ને કારણે અમે એ લોફરો સુધી પહોંચી શક્યા નહીં. હવે અમે પાલિકાના અધિકારીની પરવાનગી થી કંટ્રોલ કમાન્ડ સેન્ટરના ડિસ્પ્લે પર વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરા ના દ્રશ્યો જોયા તો એમાં પણ રાતના સમયે સડક પર ચાલતા વાહનોની નંબર પ્લેટ વંચાતી નથી. જો કે પાલિકાના અધિકારી સીસીટીવી વિશે લુલો બચાવ કરી રહ્યા છે.
સીસીટીવીની ગુણવત્તા વિશે અધિકારીઓ પાસે રાતના નબળા વિઝન અંગે કોઈ જવાબ નથી. વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલેષ અમીન અને સામાજિક કાર્યકર અરવિંદ સિંધા પણ પાલિકાના તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
અહીં સવાલ એ છે કે, રૂપિયા અગિયાર કરોડના ખર્ચે નાખેલા બધા કેમેરા રાત્રે શું આંધળા થઈ જાય છે ? કેમેરાની હલકી ગુણવત્તા માટે જવાબદાર કોણ ? સલામતી અને સુરક્ષા જેવી ગંભીર બાબતમાં ઘોર બેદરકારી કેમ દાખવવામાં આવી ?
ન કરે નારાયણ અને રાત્રે કોઈ બનાવ બને તો આરોપીઓના મુળ સુધી કેવી રીતે પહોંચાશે ? કેમેરાની ખરીદીની તપાસ ના થવી જોઈએ ? રાત્રે પણ સ્પષ્ટ દેખાય એવી ગુણવતાવાળા કેમેરા ખરીદવામાં શું વાંધો હતો ? આવા ઘણા સવાલોના જવાબ સ્માર્ટ શાસકો અને અધિકારીઓએ આપી શકે એમ નથી.