- રા-ફાઉન્ડેશન અને પાલિકાના સહયોગથી યોગ ધ્યાન સર્કલનું આજરોજ લોકાર્પણ કરાયું
વડોદરા કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ પહેલા શહેરના ઓપીરોડ પરના જંકશન ખાતે લોખંડના ભંગારમાંથી બનાવેલ રોકસ્ટાર સ્કલ્પચરને મૂકવામાં આવ્યું હતું, તે ત્રણ મહિના અગાઉ રાત્રે હટાવી લીધું હતું. અહીં બનાવેલું સર્કલ રોકસ્ટાર સર્કલ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે આ સર્કલ યોગ સર્કલ તરીકે ઓળખાશે. આજરોજ રા-ફાઉન્ડેશન અને વડોદરા પાલિકાના સહયોગથી યોગ ધ્યાન સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક જ પથ્થરમાંથી બનાવેલી આ કલાકૃતિ ત્રણ મહિનાની સ્થાનિક 15 કલાકારોની મહેનતના અંતે તૈયાર થયું છે. જેમાં એક બાજુ પુરુષ અને બીજી બાજુ મહિલા પદ્માસનની સ્થિતિમાં ધ્યાન મુદ્રામાં બેઠેલા જણાય છે. જે અહીંથી પસાર થતાં લોકોને યોગ અને ધ્યાનની જાગૃતિ કેળવવાનો સંદેશો આપતા રહેશે એમ કોર્પોરેશનના હોદ્દેદારોનું કહેવું હતું.
ઓલ્ડ પાદરા રોડ પર સ્થિત આ સર્કલ યોગ અને ધ્યાનની ભાવનાને પ્રતિબિંબિત કરવા માટે સ્થાનિક કારીગરો દ્વારા સુંદર શિલ્પ બનાવવામાં આવ્યુ છે. તેમાં પદ્માસનમાં સ્ત્રી અને પુરૂષની બે મૂર્તિઓ છે, તેમની આંખો બંધ છે, બંને ઊંડા ધ્યાનમાં છે. તેમાં પૃથ્વી માતા અને વસુધૈવ કુટુમ્બકમની સ્મૃતિનું પ્રતિનિધિત્વ કરતી ભૂ-મંડલાની 8 ફૂટની પૃષ્ઠભૂમિ છે. આ થીમ ભારતના G20 પ્રેસિડન્સીને અનુરૂપ છે. આ લોકાર્પણ સમયે વડોદરાના પ્રથમ નાગરીક પિન્કીબેન સોની, શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ, અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેયુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી ચૅરમૅન ડૉ શીતલ મિસ્ત્રી સાથે વડોદરા શહેરના કોર્પોરેટર તેમજ રા ફાઉન્ડેશનના ફાઉન્ડર રાધિકા ઐયર તલાટી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રેપમાંથી 25 શિલ્પ કૃતિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી કેટલીક શિલ્પ કૃતિઓ શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્કલ પર મૂકવામાં આવી છે. જેમાંનું રોકસ્ટાર એક હતું. આ દરમિયાન વડોદરામાં ચાર પાંચ મહિના અગાઉ રી-ઇમેજીંગ વડોદરા વિશે પરીસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં વડોદરામાં ગંદા અને આર્ટિસ્ટિક ન હોય તેવા મેટલના ગંદા કહી શકાય તેવા શિલ્પો ઉભા કરી દેવાયા તે મુદ્દે ટકોર કરવામાં આવી હતી.