પાદરામાં ઘાસ કાપતી મહિલાના માથામાં લાકડીનો ફટકો મારી લૂંટારું સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર

માસર રોડ ગામની મહિલા બપોરે ગામની સીમમાં બકરાં માટે ઘાસ કાપતા હતા

MailVadodara.com - Robber-hits-woman-cutting-grass-in-Padras-head-with-stick-steals-gold-jewelery-and-runs-away

- મહિલાને ફટકો વાગતાં બેભાન થઇ ગઇ, બેભાન થઇ ગયા બાદ મહિલા કાનમાંથી બે બુટ્ટી અને જડ મળી 15 હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી

વડોદરાના પાદરા તાલુકાના માસર રોડ ગામની મહિલા ગામની સીમમાં પોતાના બકરાં માટે પાલો (ઘાસ) લેવા માટે ગઇ હતી. બપોરના સમયે પાછો લેવા ગયેલી મહિલા પાલો કાપવામાં મગ્ન હતી. તે દરમિયાન કોઇ અજાણ્યા લૂંટારાએ પાછળથી લાકડીનો ફટકો માર્યો હતો. મહિલાને માથામાં લાકડીનો ફટકો વાગતા જ તે સ્થળ પર બેભાન થઇ ગઇ હતી. મહિલા બેભાન થઇ ગયા બાદ તેના કાનમાંથી બે બુટ્ટી અને જડ મળી 15 હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે વડુ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, પાદરા તાલુકાના માસર રોડ ગામમાં આંગણવાડીની બાજુમાં કમળાબહેન શનાભાઇ માળી (ઉં.વ. 64) પરિવાર સાથે રહે છે અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારની બપોરે કમળાબહેન માળી ગામના નટુભાઇ ખુમાનભાઇ પરમારના ખેતરમાં પોતાના બકરાં માટે પાલો (ઘાસ) લેવા માટે ગયા હતા. બપોરનો સમય હોવાથી કમળાબહેન માળી ખેતરમાં એકલા હતા અને પાલો કાપતા હતા. અ દરમિયાન એક અજાણ્યો લૂંટારુ પાછળથી ધસી આવ્યો હતો. પાલો કાપી રહેલા કમળાબેન ઉપર પાછળથી માથામાં લાકડીનો ફટકો માર્યો હતો. માથામાં લાકડીનો ફટકો વાગતા જ મહિલા ચીસ પાડીને સ્થળ પર ઢળી પડી હતી અને બેભાન થઇ ગઇ હતી.

કમળાબહેન માળી બેભાન થઇ જતા લૂંટારુ તેઓના કાનમાંથી સોનાની બે બુટ્ટી અને એક જડ મળી 3 ગ્રામ વજનના રૂપિયા 15,000ના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. લૂંટારુ ફરાર થઇ ગયા બાદ હુમલો થતાં ઇજા પામેલા કમળાબહેન ભાનમાં આવતા તેઓ ઘરે પહોંચ્યા હતા. દરમિયાન પરિવારજનો તુરતજ તેઓને જંબુસર ખાતેની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

બીજી બાજુ આ બનાવની જાણ વડુ પોલીસને થતાં પી.એસ.આઇ. એન. બી. ચૌહાણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. લૂંટારુના હુમલાનો ભોગ બનેલા કમળાબહેન પરમાર પાસેથી વિગતો મેળવી અજાણ્યા લૂંટારુ સામે લૂંટનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. માસર રોડ ગામમાં બનેલા આ બનાવે ગામમાં ચકચાર મચી ગઇ હતી.

Share :

Leave a Comments