- વારસિયા પોલીસે તેની પાસેથી બે મોબાઈલ, રોકડ અને કાર મળી રૂપિયા 4.02 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડકપના કારણે શહેરમાં ગલીએ ગલીએ ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. પોલીસ તંત્ર તેના પર સતત નજર રાખી રહ્યું છે. આ દરમિયાન વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કારમાં બેસી દુબઈના બુકી પાસેથી આઇડી લઈને ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતા એક સટ્ટોડીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. તેના આઈડી પરથી ઓનલાઇન 20 ગ્રાહકો રમતા હતા. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ, રોકડ અને કાર મળી રૂપિયા 4.02 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ક્રિકેટ ફીવર હાલમાં છવાયેલો છે. જેના કારણે ક્રિકેટ રસિયાઓ સાથે ક્રિકેટ રમનાર સટોડીયાઓ અને બુકીઓ પણ ગેલમાં આવી ગયા છે. વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રવિવારે પેટ્રોલીંગમાં હતો. આ દરમ્યાન વારસિયા વિસ્તારમાં આવેલા મોતીનગર ત્રણ રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે, વારસીયા ઢાળ ઉતરતા સાંઇબાબા એપાર્ટમેન્ટ પાસે ગુરુકૃપા ઓટો સર્વીસ નામની ગેરેજ પાસે રોડ ઉપર એક કારમાં નિલેશ ઉર્ફે બાબુ નાથાણી માસ્ટર આઇ.ડી રાખી વર્લ્ડકપ ટુર્નામેન્ટની ભારત તથા ઓસ્ટ્રેલીયાની મેચ ઉપર ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે ઓનલાઇન આઇ.ડી તેના ગ્રાહકોને આપે છે અને હાલમાં તે સ્થળ પર કારમાં બેસેલો છે.
આ બાતમી આધારે વારસિયા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં રોડ પાસે પાર્ક કરેલી કારમાં એક શખ્સ બેઠો હતો. તેને તેનું નામ ઠામ પુછતા નિલેશ ઉર્ફે બાબુ કનૈયાલાલ નાથાણી (રહે.સંતકવર કોલોની, વારીયા, વડોદરા) હોવાનુ જણાવ્યું હતું. તેની અંગ ઝડતી કરતા રોકડા રૂપિયા 12,660 મળી આવ્યા હતા. તેની પાસેથી મળેલા બે મોબાઇલ ચેક કરતા ગૂગલ ક્રોમમાં એક માસ્ટર NATKHATEXCH.COM નામની માસ્ટર આઇ.ડી, મળી આવી હતી. જે આઇ.ડી. હિતેશ ભૈયા (રહે. દુબઇ) તેના ગ્રાહકોને ઓનલાઇન આઇ.ડી. સટ્ટો રમવા માટે આપે છે. પકડાયેલા આરોપીએ જણાવ્યું હતું કે, આ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેં હિતેશપાસેથી ખરીદ્યું છે. હું મારા અન્ય ગ્રાહકોને ક્રિકેટ સટ્ટો રમવા માટે અને તેમાં ગ્રાહકોને વેચેલા આઇ.ડી. માં બેલેન્સ કરી આપું છું. મારી પાસેની KHATEXCH.COM નામની આઇ.ડીમાં હાલ 30 લાખનું બેલેન્સ છે. જેથી વારસિયા પોલીસે રોકડા રૂપિયા 12,660, બે મોબાઈલ, કાર મળી રૂપિયા 4,02,660નો મુદ્દામાલ સાથે નાથાણીની અટકાયત કરી છે. દુબઈના બુકી હિતેશ ભૈયાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિલેશ ઉર્ફે બાબુ નાથાણીના આઇડી પર આશરે 20 ગ્રાહકો સટ્ટો રમતા હોવાનું જાણવા મળ્યું છે.