- મહિને રૂપિયા 30 હજાર ભાડું નક્કી કર્યા બાદ ભેજાબાજે ૩ મહિના સુધી ભાડુ ન ચૂકવ્યું
- વેપારીએ તપાસ કરતા કાર મધ્યપ્રદેશના યુવક પાસે હોવાની જાણ થઇ
વડોદરા શહેરના ભેજાભાજે અમદાવાદના ટુર એન્ડ ટ્રાવેલ્સના વેપારી પાસેથી કાર ભાડેથી લઇને 30 હજાર રૂપિયા ભાડું આપવાની લાલચ આપીને કાર બારોબાર મધ્યપ્રદેશ મોકલી આપી હતી અને ભાડું પણ ન ચુકવીને છેતરપિંડી આચરી હતી. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં બે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા હર્ષિત મહેન્દ્રભાઇ પટેલ (ઉં.વ.36) એ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પાંચ મહિના પહેલા અમારા ટ્રાવેલ્સ ગ્રુપમાંથી મોહમદ અરશદ એમ. પઠાણ (રહે. રોશન પાર્ક, નવાયાર્ડ, વડોદરા) સાથે મારો સંપર્ક થયો હતો અને અરશદ પઠાણને એક વર્ષ માટે કાર ભાડેથી જોઇતી હતી. જેથી અરશદ પઠાણ સાથે મેં ટેલિફોન પર વાત કરી હતી. ત્યારબાદ મેં અરશદ પઠાણને મારી કાર એક વર્ષ માટે ભાડાથી આપવાનું જણાવ્યું હતું અને કારનું ભાડુ મહિને 30 હજાર રૂપિયા નક્કી થયું હતું અને કરાર વખતે એડવાન્સ ડિપોઝીટના 30 હજાર રૂપિયા આપવાનુ નક્કી થયું હતું અને અરશદે મને જણાવ્યું હતું કે, તમે તમારી કાર વડોદરા લઇ આવો અને વડોદરામાં વકીલ પાસે ભાડા કરાર કરીને તમારૂ એડવાન્સ ડિપોઝીટ ભાડું હું તમને ચુકવી આપીશ. ત્યાર બાદ તમે મને કાર આપજો.
હું ગત 26 જૂન 2023ના રોજ હું મારી ફોર વ્હીલર ગાડી નં. GJ-01-WG-5106ની લઈને વડોદરાના તાંદલજા વિસ્તારમાં અરશદ પઠાણને મળ્યો હતો. મને વકીલ સૈયદ મુબીનઅલીને ત્યાં નોટરી કરાર કરાવવા માટે લઇ ગયો હતો અને તે વખતે અરશદ પઠાણે મને જણાવ્યું હતું કે, હું અલગ-અલગ ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી રાખીને તે ગાડીઓ અલગ-અલગ જગ્યાએ ભાડેથી આપી તેમાંથી કમિશન મેળવી તેનો વેપાર ધંધો કરું છું. ત્યાર બાદ અમારે ફોન પર નક્કી થયા પ્રમાણે કરાર કર્યો હતો. એક મહિનો પૂર્ણ થતાં મેં ભાડુ માગ્યું હતું. જોકે, ખોટા વાયદા કરીને ભાડુ આપ્યું નહોતું. જેથી મેં મારી કાર પરત માગી હતી. કાર મને પરત આપી નહોતી અને 3 મહિનાથી ભાડુ માંગવા છતાં આપતો નથી.
મેં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારી કાર મધ્યપ્રદેશમાં રહેતા સંદિપ રાઠોડ (રહે. કલ્યાણપુરા ગામ, જિલ્લો-ઝાબુંવા, મધ્યપ્રદેશ) પાસે છે. જેથી હું મધ્ય પ્રદેશ ગયો હતો અને સંદિપ રાઠોડને મળીને મારા અને અરશદ પઠાણ સાથેના કાર બાબતના કરાર બતાવી તે અંગે જાણ કરવા છતાં કાર મને પરત આપી નહોતી.