- SOG પોલીસે અમર પાન નામની દુકાનમાંથી ઇ-સિગારેટ, વોર્નિંગ વગરની સિગારેટ, સહિત વિવિધ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો
હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે શહેરમાં ઇ-સિગારેટનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે શહેર એસ.ઓ.જી. પોલીસે અલકાપુરીમાં વિન્ડસર પ્લાઝા સ્થિત એક પાન-મસાલાના ગલ્લામાં દરોડો પાડી 202 નંગ ઇ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 37 હજારના મુદ્દામાલ સાથે પાન-મસાલાના ગલ્લાધારકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે શહેરમાં દિવસે-દિવસે ઇ-સિગારેટના ચલણમાં વધારો થયો છે. હાલમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં ઇ-સિગારેટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તે સાથે વોર્નિંગ વગરની સિગારેટ, ઇ-હુકા સહિતનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે શહેર એસ.ઓ.જી.ના પીઆઈ વિ.એસ. પટેલને માહિતી મળી હતી કે, અલકાપુરીમાં આવેલા વિન્ડસર પ્લાઝા સ્થિત અમર પાનમાં ઇ-સિગારેટ સહિત વિવિધ પ્રકારની સિગારેટનું વેચાણ થઈ રહ્યુ છે.
એસ.ઓ.જી.એ માહિતીના આધારે દરોડો પાડ્યો હતો અને અમર પાન નામની દુકાનમાંથી ઇ-સિગારેટ, વોર્નિંગ વગરની સિગારેટ, સહિત વિવિધ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી રૂપિયા 37,620ની કિંમતના 202 સિગારેટના પેકેટ કબ્જે કરવા સાથે અમર પાનના સંચાલક દેવાનંદ રમેશભાઇ કોટવાણી (રહે. આકાશ ગંગા હાઉસિંગ સોસાયટી, મકરપુરા, વડોદરા)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અનેક વખત આ પાનના ગલ્લામાં પોલીસે દરોડા પાડ્યા છે.