સયાજીબાગમાં સેલ્ફી લેતી વખતે જાેય ટ્રેનની અડફેટે આવી ગયેલી ઇજાગ્રસ્ત મહિલાને જમણો હાથ ગુમાવવો પડ્યો

વાડીમાં રહેતા 42 વર્ષના સુમૈયાબાનું ખજૂરીવાલા પરિવાર સાથે સયાજીબાગમાં ફરવા ગયા હતા

MailVadodara.com - Injured-woman-lost-right-arm-after-being-hit-by-joy-train-while-taking-selfie-in-Sayajibagh

- સુમૈયાબાનું જોય ટ્રેન નજીક સેલ્ફી લેતા હતા તે સમયે તેમના ડ્રેસનો દુપટ્ટો ટ્રેનમાં આવી જતા તેઓનો જમણો હાથ ટ્રેનના પૈડાં નીચે આવી જતા ગંભીર ઇજા થઇ હતી

- દુર્ઘટનાને પગલે આજે વધુ 5 સાઇન બોર્ડ રેલવે ટ્રેક પાસે લગાવી દેવામાં આવ્યા હતા


શહેરના સયાજીબાગમાં કથિત સેલ્ફી લેતા જોય ટ્રેનની અડફેટમાં આવી ગયેલી સહેલાણીને જમણા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાનો તબીબો હાથ બચાવી શક્યા ન હતા. પરિણામે મહિલાને પોતાનો જમણો હાથ ગુમાવવાનો વખત આવ્યો છે. આ ઘટના અંગે પરિવારજનો કહે છે કે, ટ્રેન ચાલકે હોર્ન ન મારતા દુર્ઘટના સર્જાઇ છે. સેલ્ફીની વાત ઉપજાવી નાંખી છે. બીજી બાજુ આ દુર્ઘટનાને પગલે આજે વધુ 5 સાઇન બોર્ડ રેલવે ટ્રેક પાસે લગાવી દેવામાં આવ્યા હતા.

- ઘટના અંગે પરિવારજનો કહે છે કે, ટ્રેન ચાલકે હોર્ન ન મારતા દુર્ઘટના સર્જાઇ છે સેલ્ફીની વાત ઉપજાવી નાંખી છે

- જોય ટ્રેનના ઇજારદારે જણાવ્યું કે, ટ્રેનનો ત્રીજો ડબ્બો પસાર થતો હતો, ત્યારે આ ઘટના ઘટી હતી, આ ઘટનામાં જોય ટ્રેન પ્રશાસનનો કોઈ વાંક નથી

વડોદરા શહેરમાં ફરવાલાયક એક માત્ર સયાજીબાગ છે. આ સયાજીબાગમાં સહેલાણીઓના મનોરંજનમાં વધારો કરતી જોય ટ્રેન કાર્યરત છે. આ જોય ટ્રેનનું કોર્પોરેશનના નિયમોનુસાર ખાનગી કંપની તેનું સંચાલન કરે છે. શહેરના વાડી મોટી વોરવાડમાં રહેતા 42 વર્ષના સુમૈયાબાનું ઇમ્તિયાઝ ખજૂરીવાલા પરિવાર સાથે સયાજીબાગમાં ગયા હતા. સાંજે જોય ટ્રેન નજીક સેલ્ફી લેતા સમયે તેમના ડ્રેસનો દુપટ્ટો ટ્રેનમાં આવી જતા તેઓનો જમણો હાથ ટ્રેનના પૈડાં નીચે આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. તુરંત જ તેઓને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તેઓનો હાથ બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ, મહિલાની જિંદગી બચાવવા માટે હાથ કાપવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. આખરે પરિવારની સહમતી બાદ તેઓનો જમણો હાથ કાપવો પડ્યો છે.


આ ઘટના અંગે જોય ટ્રેનના ઇજારદાર ખોડલ કોર્પોરેશનના મેનેજર હિમાંશુ સોનીએ જણાવ્યું હતું કે, ટ્રેનનો ત્રીજો ડબ્બો પસાર થતો હતો, ત્યારે આ ઘટના ઘટી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને ત્યાંથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં જોઈ ટ્રેન પ્રશાસનનો કોઈ વાંક નથી.

હાથ ગુમાવનાર મહિલાના પરિવારના સભ્ય સાજીદભાઇએ જણાવ્યું હતું કે, હાથ ગુમાવનાર સુમૈયાબાનુ ભાભી થાય છે. તેઓ સેલ્ફી રહ્યા હતા તે સમયે દુર્ઘટના સર્જાઇ હોવાની વાત પાયાવિહોણી છે. આ દુર્ઘટના માત્રને માત્ર ટ્રેન ચાલકની ભૂલના કારણે સર્જાઇ છે. આ ઘટના અંગે તપાસ કરવામાં આવે ચોક્કસ સત્ય બહાર આવે. ઇજાગ્રસ્ત ભાભીને હજુ સુધી જોય ટ્રેનના વહીવટકર્તાઓ દ્વારા કોઇ સહાય આપવામાં આવી નથી કે કોર્પોરેશન દ્વારા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.


વડોદરાના મેયર પિન્કીબહેન સોનીએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુખદ ઘટના બની છે, સેલ્ફીના કારણે મહિલાને પોતાનો જમણો હાથ ગુમાવાનો વારો આવ્યો છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ના બને તે માટે 5 જેટલા નવા સાઈન બોર્ડ લગાવી દેવામાાં આવ્યા છે. વડોદરા શહેરની જનતાને અને સયાજીબાગમાં આવનાર સહેલાણીઓને અપીલ કરી કે ફરી આવી દુર્ઘટના ના બને તે માટે ટ્રેનના ટ્રેક નજીક ફોટો ન લેવા કે પછી ટ્રેનના ટ્રેકથી દૂર રહેવું, ફોટો કે સેલ્ફી લેતી વખતે કાળજી રાખવી, અગામી દિવસોમાં ત્યાં કારવિંગ કરવામાં આવશે.

Share :

Leave a Comments