સયાજી હોસ્પિટલની માતૃબેંકમાં છેલ્લા પાંચ વર્ષમાં 9015 માતાઓએ 1319 લિટર ધાવણનું દાન કર્યું

એસએસજી હોસ્પિટલ ખાતે ઓક્ટોબર 2019થી માતૃબેંક શરૂ કરવામાં આવી છે

MailVadodara.com - In-last-five-years-9015-mothers-donated-1319-liters-of-milk-to-Sayaji-Hospital-Matrubank

- એકત્ર કરાયેલા ધાવણને 62.5 ડિગ્રી તાપમાને અડધો કલાક ગરમ કરી પેશ્ચ્યુરાઇઝેશન કરી બાદમાં 20 ડિગ્રી ઠંડા તાપમાનમાં સંગ્રહિત કરાય છે


વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલની માતૃબેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેંક તરીકે ઓળખાતી આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી અન્ય બાળકોની પરોક્ષ માતા બને છે. વડોદરાની આ માતૃબેંકમાં છેલ્લા 5 વર્ષમાં 9015 માતાઓએ પોતાના ધાવણનું દાન કર્યું છે. વડોદરા શહેરમાં પરોક્ષ માતા બનવા માટેના આ મહાકાર્યમાં યોગદાન આપવા માતાઓમાં જાગૃતતા વધી રહી છે.

બાળ રોગ વિભાગના વડા ડો. શિલાબહેન ઐયરે જણાવ્યું હતું કે, એસએસજી હોસ્પિટલ ખાતે ઓક્ટોબર 2019થી માતૃબેંક શરૂ કરવામાં આવી છે. જેમાં ધાત્રી માતાઓના બ્રેસ્ટ મિલ્કનું દાન સ્વીકારવામાં આવે છે. આ માતૃબેંકના પ્રારંભે ધાત્રી માતાઓમાં જાગૃતિનો અભાવ હતો, પણ હવે બેંકમાં ધાવણનું દાન આપવા આવનારી માતાઓનું પ્રમાણ વધી રહ્યું છે.


તેમણે ઉમેર્યું કે, અહીં આવતી ધાત્રી માતાના સર્વ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં એચઆઇવી, હિપેટાઇટીસ, વીડીઆરએલ જેવા ટેસ્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે પોતાના પુત્રને સ્તનપાન કરાવ્યા બાદ પણ હેવી ફિલ કરતી માતાઓ ધાવણનું દાન કરવા માટે આવતી હોય છે. આ માતાઓમાં દુગ્ધપ્રમાણ વધુ હોય છે.

તમામ પ્રકારના ટેસ્ટ નકારાત્મક આવ્યા બાદ ધાત્રી માતા પાસેથી દુગ્ધદાન સ્વીકારવામાં આવે છે. આ માટે હોસ્પિટલ ગ્રેડ બ્રેસ્ટ પમ્પ દ્વારા ધાવણ લેવામાં આવે છે. એકત્ર કરવામાં આવેલા ધાવણને 62.5 ડિગ્રી તાપમાને અડધો કલાક ગરમ કરી પેશ્ચ્યુરાઇઝેશન કરીને સંગ્રહ કરવામાં આવે છે. તેનો કલ્ચર ટેસ્ટ પણ કરવામાં આવે છે. બાદમાં 20 ડિગ્રી ઠંડા તાપમાનમાં સંગ્રહિત કરવામાં આવે છે. સામાન્ય રીતે 125 એમએલની એક બોટલમાં ત્રણ માતાઓના દુગ્ધને મિશ્ર કરવામાં આવે છે. આ સંગ્રહિત અમૃત 6 માસ સુધી ચાલે છે. એ પહેલા તેને જરૂરીયાતમંદ બાળકને આપી દેવામાં આવે છે. માતા પોતે આઇસીયુમાં હોય કે બાળકની સારવાર ચાલતી હોય, અથવા તો માતાને ધાવણ ના આવતું હોવાના કપરા સંજોગોમાં એસએસજીના તબીબો અહીંથી આ દુગ્ધામૃત મંગાવીને બાળકને ફિડ કરાવે છે. કારણ કે, નવજાત બાળક માટે માતાનું દૂધ બહુ જ પોષણકર્તા છે. આ સેવા માત્ર સિવિલ હોસ્પિટલ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે. ધાત્રી માતા તેમના ધાવણ આવવાના સમયથી એક વર્ષ સુધી દાન કરી શકે છે. 


વડોદરાની આ માતૃબેંકમાં છેલ્લા 5 વર્ષમાં 9015 માતાઓએ દુગ્ધામૃતનું દાન કર્યું છે. આ દાનથી 1319 લિટર દુગ્ધામૃત એકત્ર કરી 3197 બાળકોને પોષિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1219 માતાઓએ પોતાના જ દુધનું પોતાના બાળકોને માતૃબેંકના માધ્યમથી પાન કરાવ્યું છે. આવા કેસમાં બાળક મોં વાટે પી ના શકતું હોય ત્યારે માતૃબેંકની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ બાળરોગ રોગ વિભાગના હેડ ડો. શીલા ઐયરે વધુમાં જણાવ્યું હતું.


ઉલ્લેખનિય બાબત એ છે કે, હવે ધાત્રી માતાઓ પણ જાગૃત બની રહી છે. હોસ્પિટલમાં અનેક ધાત્રી માતાઓ સ્વયં દુગ્ધામૃતનું દાન કરવા માટે આવે છે. તા.1 ઓગસ્ટથી સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં દુગ્ધામૃતનું દાન કરી અન્ય બાળકની પરોક્ષ માતા બનતી ધાત્રીઓના મહામૂલા દાનની કદર કરવી રહી! સપ્તાહની ઉજવણી દરમિયાન માતાઓનો કેમ્પ રાખીને જાગૃતી પણ લાવવામાં આવી રહી છે.

Share :

Leave a Comments