- સ્થાનિક કાઉન્સિલરને બમ્પ મૂકવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાઇ!
- ટ્રક ચાલકે કહ્યું, રાહદારીને બચાવવાના પ્રયત્નો કર્યા હતા જોકે રાહદારીનું ધ્યાન જ ન હોવાને કારણે ટ્રક નીચે આવી ગયો હતો
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ટ્રકની અડફેટે એક યુવાનનું મોત થયું છે. જેને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે ગઇકાલે મોડી રાત્રે એક ટ્રક પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. પોર તરફથી પુરપાટ ઝડપે શહેરમાં પ્રવેશેલી રહેલા ટ્રકે મકરપુરા ગામના ગોકુલનગરમાં રહેતા 39 વર્ષીય કમલેશ બેચરભાઇ માછી નામના રાહદારીને અડફેટે લીધો હતો. ટ્રકના તોતિંગ ટાયર નીચે આવી જતાં કમલેશ માછીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે સ્થળ પર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. જ્યારે ટ્રક ચાલકને ઘેરી લઈને પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
બનાવ અંગે ટ્રક ચાલકે જણાવ્યું હતું કે, પોર ખાતે ડીમાર્ટના ગોડાઉનમાંથી સમાન ભરીને મકરપુરા તરફ જતા સમયે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે રાહદારીને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે રાહદારીનું ધ્યાન જ ન હોવાને કારણે ટ્રક નીચે આવી ગયો હતો. મકરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક યોગેશ માળીએ જણાવ્યું હતું કે, આ વોર્ડ નં-19 છે. અમે ઘણીવાર સ્થાનિક કાઉન્સિલરને બમ્પ મૂકવા માટે રજૂઆત કરી છે, પણ હજી સુધી બમ્પ મૂકવામાં આવ્યો નથી અને કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે આજે એક નિર્દોષ માણસ ટ્રકની અડફેટે મરી ગયો છે. અહીં પૂરપાટ ઝડપે ગાડીઓ જાય છે. અહીં ત્રણથી ચાર બમ્પ મૂકવા જોઇએ. જીઆઇડીસીમાંથી પણ ઘણા લોકો રોંગ સાઇડ આવતા હોય છે. શહેરમાં ડમ્પર અને ટ્રક ચાલકો બેફામ રીતે વાહનો હંકારે છે. જેને કારણે અનેક લોકોના જીવ અત્યાર સુધી ગયા છે, ત્યારે આજે વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.