- ગાયકવાડ પરિવારે પૂજા-અર્ચના કરી, શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું
આજે વિક્રમ સંવત 2079 ને અષાઢ સુદ એકાદશી ના રોજ શહેરના માંડવી નજીક ઐતિહાસિક રજવાડી શ્રી વિઠ્ઠલ મંદિરમાંથી વર્ષોની પ્રણાલિ મુજબ આજે વહેલી સવારે મંદિરમાં મંગળા આરતી સવારે ૩ વાગ્યે કરવામાં આવી હતી. શ્રૃંગાર આરતી સવારે ૭ વાગ્યે થ ઇ હતી રાજભોગ આરતી સવારે ૮ વાગ્યે કરવામાં આવી હતી ત્યારબાદ સવારે ૯ વાગે ''અષાઢી સુદ એકાદશી'' નિમિત્તે ભગવાન શ્રી વિઠોબાનો 214મો વરઘોડો (રથયાત્રા) નીકળ્યો હતી.
ભગવાન ચાંદીના રથમાં બેસી નગરજનોને દર્શન આપવા નીકળ્યા હતા તે અગાઉ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિઠ્ઠલજીની આરતી પૂજા કરી હતી રાજવી પરિવારના રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડ સાથે સમરજીતસિંહ ગાયકવાડ, અભય ગાયકવાડ તથા ગાયકવાડ પરિવાર સાથે જ વડોદરા મહાનગર પાલિકાના મેયર નિલેશ રાઠોડ, સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના રાજકીય આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી વિઠ્ઠલનાથજીની આરતી બાદ ચાંદીના ભવ્ય રથમાં શ્રીજીનો વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજીના જયઘોષ અને શહનાઈ -ઢોલ વાદન સાથે નીકળ્યો હતો જેમાં વારકરી સમુદાય, ભજન મંડળીઓ, બેન્ડ વાજા, ઘોડા બગી વગેરે જોડાયા હતા. સાથે જ શહેરના રાજમાર્ગો પર ઠેરઠેર શ્રધ્ધાળુઓ દ્વારા શ્રી વિઠ્ઠલજીના દર્શન કરી ભાવવિભોર થયા હતા. ભક્તોનું ઘોડાપુર રાજમાર્ગો પર જોવા મળ્યું હતું.
આ વરઘોડો માંડવી, લહેરીપુરા ગેટથી ન્યાયમંદિર થઈ જ્યુબિલીબાગ, રાવપુરા- ટાવર, કોઠી ચાર રસ્તા, આરાધના સિનેમાથી કીર્તિ મંદિરના કંપાઉન્ડમાં કેદારેશ્વર મહાદેવ મંદિરે બપોરે બે વાગ્યે પહોંચ્યો હતો, ત્યાં ભગવાન શ્રી હરિહરની ભેટ કરી તેમજ પૂજન - અર્ચના અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ૨-૩૦ કલાકે ફરીથી આજ રસ્તેથી જ પાછો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે (માંડવી) સાંજના પાંચ કલાકે પરત ફર્યો હતો. ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર સવારે ૯ થી રાત્રે ૧૦ સુધી લોક દર્શનાર્થે ખુલ્લું રહેશે.