ન્યૂઝ પેપરની પ્રિન્ટવાળા કાગળમાં ખોરાક આરોગવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે તેવા અહેવાલ બાદ જાગેલા પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ લારી-ગલ્લા પર ખાદ્ય પદાર્થ ન્યૂઝ પ્રિન્ટમાં નહીં આપવાનું ફરમાન જાહેર કરવા સાથે ધનિષ્ઠ ચેકિંગ શરૂ કર્યું હતું. પરંતુ તે બાદ તેમાં આગળ વધારાની કોઈ કાર્યવાહી ન થતા ફરી એકવાર ન્યૂઝ પેપરમાં ખાણીપીણીની વસ્તુઓ વેચાવવા માંડી છે અને આ મામલે તંત્ર યોગ્ય ધ્યાન આપી રહ્યું નથી.
અખબારની ઇન્કવાળા કાગળમાં ખોરાક આરોગવો અને તેના કારણે ઇન્ક શરીરમાં જવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે તેવો એક રિપોર્ટ જાહેર થયા બાદ ઉચ્ચ કક્ષાએથી આવેલા આદેશને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ ગત દિવસોમાં ખાદ્ય ખોરાક ન્યુઝ પ્રિન્ટના કાગળમાં નહીં વેચવાનું ફરમાન જારી કર્યું હતું. તેને ધ્યાનમાં લઈ દેખાડવા પૂરતું એક અભિયાન ગણ્યા ગાંઠિયા દિવસો માટે ચલાવવામાં આવ્યું હતું. અભિયાન ચલાવ્યા બાદ થોડા જ દિવસોમાં પુન અખબારના કાગળોમાં ખાદ્ય પદાર્થો વેચાવવા લાગ્યા હતા. હાલ પાલિકાના વિવિધ વિભાગોમાં પણ આવતો નાસ્તો અને ખાદ્ય પદાર્થો અખબારના કાગળોમાં વીંટાળીને આવવાનો શરૂ થઈ ગયો છે. તમામ પરિસ્થિતિ વચ્ચે અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોએ જે ચેકિંગ કરવાનું હોય છે તેમાં વધુ કોઈ કાર્યવાહી થઈ રહી નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખાદ્ય વ્યાપારીઓએ ફરી છેડા કરવાનું શરૂ કર્યું છે. મોટાભાગની લારીઓ પર ન્યૂઝ પ્રિન્ટમાં નાસ્તાના પડીકા બનવાના શરૂ થઈ ગયા છે. છતાં આ અંગે કોઈ એક્શન પ્લાન અને જરૂરી પગલાં લેતા નથી.