વડોદરામાં નિર્માણાધીન ઇમારતમાં ભેખડ ઘસી પડતાં ચાર શ્રમજીવી દટાયા; એક મજૂરનું મોત

નિર્માણાધીન બિલ્ડિંગ સાઇટ પર ફાઉન્ડેશનમાં સેન્ટરીંગની કામગીરી ચાલતી હતી

MailVadodara.com - Four-laborers-buried-in-under-construction-building-collapse-in-Vadodara-A-laborer-died

- દાંડિયા બજાર, વડીવાડી સહિત ફાયર સ્ટેશનોના લાશ્કરોએ રેસ્ક્યૂ કર્યું


શહેરના ચકલી સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર બિલ્ડિંગમાં ફાઉન્ડેશનની કામગીરી દરમિયાન ભેજયુક્ત ભેખડ ધસી પડતાં કામ કરી રહેલા ચાર મજૂરો દટાયા હતા. આ બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના લાશ્કરોનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને દટાયેલા મજૂરોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભેખડ પડતાં એક જ સેકન્ડમાં મજૂરો દટાય છે અને એક મજૂરનું મોત થાય છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરના ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ જવાના રસ્તા ઉપર બિલ્ડિંગ બની રહી છે. નિર્માણાધીન આ બિલ્ડિંગ સાઇટ પર ફાઉન્ડેશનમાં સેન્ટરીંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ફાઉન્ડેશન માટે ખોદવામાં આવેલા ખાડામાં ઉતરી મજૂરો કામ કરી રહ્યા હતા. તે સમયે ભેજયુક્ત ભેખડ એકાએક ધસી પડી હતી. જેમાં ચાર મજૂરો દટાયા હતા. જેમાં દાહોદ-લીમડીના 25 વર્ષીય રમેશ પરમાર (ભીલ)નું કરૂણ પોત થયું હતું


ભેખડ ધસતાની સાથે સાઇટ ઉપર કામ કરી રહેલા મજૂરો દોડી આવ્યા હતા. પરંતુ, મજૂરોથી માટી નીચે દબાયેલા સાથી મજૂરોને બહાર કાઢવા શક્ય ન હોઇ, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તુરંત જ દાંડિયા બજાર, વડીવાડી સહિત ફાયર સ્ટેશનોના 10 જેટલા લાશ્કરો દોડી આવ્યા હતા. અને સ્થળની સ્થિતિનો અભ્યાસ કરી ભેખડ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.


ફાયર બ્રિગેડના લાશ્કરોએ ગણતરીની મિનીટોમાં ભેખડ નીચે દબાયેલા ચાર પૈકી ત્રણ મજૂરોને બહાર કાઢી લીધા હતા. અને તેઓને ઘટનાની જાણ થતાં સ્થળ પર આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં રવાના કર્યા હતા. જ્યારે અન્ય એકને ભેખડ નીચેથી બહાર કાઢવા માટે ફાયરના લાશ્કરોને ભારે જહેમત ઉઠાવી પડી હતી. 


ભેખડ નીચે ચાર લોકો દબાયા હોઇ, ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી પર નજર રાખી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ પર હાથથી કામ કરવા સિવાય કોઇ વિકલ્પ ન હોઇ, ફાયરના જવાનોએ પાવડા લઇને ધીરે ધીરે માટી ખોદીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ અહિંયા હોસ્પિટલ હતી. જેને તોડી પાડીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ સાઇટ મુખ્ય માર્ગની બાજુમાં આવેલી છે. આ બનાવને પગલે સ્થાનિક ગોત્રી પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને કામગીરીમાં અડચણ ઉભી ન થાય તે માટે ટોળાને સલામત સ્થળે ખસેડ્યા હતા.

Share :

Leave a Comments