- ફરિયાદી મહિલાઓ ગાળો બોલી ધમકી આપી કે, તમો છૂટો એટલી વાર છે, તમને જાનથી મારી નાંખીશું અને ખોટા કેસમાં ફસાવી દેઇશું : પોલીસે ગુનો દાખલ કર્યો
શહેર માંજલપુર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ફિટ કરેલા આરોપીઓને ફરિયાદી તથા અન્ય મહિલાઓએ અપશબ્દો બોલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
માંજલપુર અલવાનાકા કોતર તલાવડી પાસે મહાદેવ નગરમાં રહેતો જયદીપ અજબસિંહ પટેલ ડ્રાઇવિંગ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા વિરૂદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. તે ગુનામાં મને તથા સુમિત નટુભાઇ માળી (રહે. તુળજા નગર, માંજલપુર) તથા વિશાલ ઉર્ફે બાટલો જ્યંતિભાઇ પરમાર (રહે.સિકોતર નગર, માંજલપુર) માંજલપુર પોલીસ પકડી લાવી હતી. અમને અટક કરી માંજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂક્યા હતા. તે સમયે તે ગુનાના ફરિયાદી તથા અન્ય મહિલાઓ આવ્યા હતા. અમે માંજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતા. ત્યારે તેઓએ ધમકી આપી હતી કે, અમારી ગાડી પાછી આપી દો. જેથી, મેં કહ્યું કે, મેં લોનના સાત હપ્તા તથા ૫૦ હજાર રોકડા તમને આપ્યા છે. તે પાછા આપી દો તો હું તમને ગાડી આપી દઉં. મારી વાત સાંભળીને તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને મહિલાઓ મને ગાળો બોલતી હતી. તેઓએ ધમકી આપી હતી કે, તમો છૂટો એટલી વાર છે. તમને જાનથી મારી નાંખીશું. તેઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
માંજલપુર પોલીસે ધર્મિબેન રાકેશભાઇ સરોજ (રહે.શંકરબાગ સોસાયટી, જી.આઇ.ડી.સી.રોડ), રાનીબેન મહેશભાઇ રાઠવા (રહે.માણેજા), કિરણબેન ભૂરિયાભાઇ રાઠવા (રહે.સત્ય નારાયણ સોસાયટી, જી.આઇ.ડી.સી.રોડ) અને ઉષાબેન સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.