વડોદરામાં તબીબના ઘરે બપોરના સમયે 19 તોલા દાગીનાની ચોરી કરનાર 3 શકમંદો CCTV દેખાયા

બપોરના 1.30થી 2-30 વાગ્યાના સુમારે બનેલા ચોરીના બનાવને પગલે વિસ્તારમાં ચકચાર

MailVadodara.com - CCTV-shows-3-suspects-stealing-19-tola-jewelery-from-doctors-house-in-Vadodara

- ન્યુ વીઆઇપી રોડ પર રહેતા તબીબના ઘરે મહેમાનો આવ્યા હોવાથી મકાનને તાળું મારી ઘર નજીક આવેલી હોટલમાં જમવા માટે ગયા હતા

- તબીબના ઘરમાંથી અજાણ્યા શખ્સો સોનાના  દાગીના તથા રોકડ મળી 3.83 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા


શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર રહેતા તબીબના ઘરમાં ભર બપોરે કોઇ અજાણ્યા શખ્સો 19 તોલા સોનાના  દાગીના તથા રોકડ મળી રૂપિયા 3.83 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભર બપોરે ત્રાટકેલા 3 શકમંદ તસ્કરો  CCTV માં કેદ થયા છે. હરણી પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. 

ઉલ્લેખનિય છે કે, શહેરના ન્યુ.વી.આઇ.પી.રોડ પર આવેલી શાંતિ પાર્ક સોસાયટીમાં રહેતા ડો. અંકુરભાઇ રમેશચંદ્ર મહેતા  ન્યુ.વી.આઇ.પી.રોડ ખાતે સાંકેત કોમ્પલેક્ષમાં વિનાયક ડેન્ટલ નામની ક્લીનીક ચલાવે છે. રવિવારના રોજ તેમના ઘરે મહેમાનો આવ્યા હતા. આથી તેઓ મકાનને તાળું મારી મહેમાનોને લઇને ઘર નજીક આવેલી કાઠીયાવાડી હોટલમાં જમવા માટે ગયા હતા. આ દરમિયાન તબીબ પરિવાર મહેમાનો સાથે જમીને ઘરે પરત આવતા મકાનના મુખ્ય દરવાજાની આગળ લગાવેલું લાકડા તથા સ્ટીલની જાળી પર લાગેલ ઇન્ટર લોક તૂટેલી હાલતમાં જોઈ ચોકી ઉઠયા હતા. મકાનમાં પ્રવેશી તપાસ કરતા બેડરૂમમાં મુકેલા કબાટોમાંથી બધો સામાન વેરવિખેર હાલત માં પડ્યો હતો. 


તબીબ પરિવારને ઘરમાં ચોરી થઇ હોવાની મજબૂત શંકા જતા તેઓએ કબાટમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી આવી ન હતી. બપોરના લગભગ 1.30 થી 2-30 વાગ્યાના સુમારે બનેલા ચોરીના આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. દરમિયાન ડો. અંકુર મહેતાએ બનાવ અંગેની જાણ હરણી પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને તસ્કરો ક્યાંથી પ્રવેશ્યા અને કંઇ તરફ ભાગી છૂટ્યા તેનું અનુમાન લગાવી તપાસ શરૂ કરી હતી. 

બીજી બાજુ ડો. અંકુર મહેતાએ પોલીસ ફરિયાદમાં તસ્કરો કબાટમાં મુકેલી રોકડ તેમજ 19 તોલા સોનાના દાગીના મળીને કુલ્લે રૂપિયા 3.83 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાનું જણાવ્યું હતું. રવિવારે બપોરના સમયે બનેલી ચોરીના આ બનાવના  CCTV સામે આવ્યા છે.  CCTV માં 3 શકમંદો જણાઇ આવ્યા છે. હરણી પોલીસે  CCTV ફૂટેજ મેળવીને તપાસનો દોર શરૂ કર્યો છે. 

હાલ હરણી પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીના બનાવમાં કોઇ જાણભેદુ હોવાનું પોલીસનું અનુમાન છે.

Share :

Leave a Comments