કરજણના કડારી પાસે બાઈકસવાર પરિવારને ટ્રકે અડફેટે લીધું : પત્નીનું મોત, પિતા-પુત્રનો બચાવ

તરસાલી બાયપાસ પાસે રહેતો ભટ્ટ પરિવાર પત્ની-પુત્ર સાથે કુળદેવીના દર્શન કરવા ગયા હતા

MailVadodara.com - Bike-rider-family-hit-by-truck-near-Kadari-Karajan-Wife-dies-father-son-rescued

- કંડારી બસ સ્ટેન્ડ પાસે ટ્રકે સવારબાઇક પરિવારને અડફેટમાં લેતાં પિતા-પુત્રને ઇજા પહોંચી, પત્નીનું ટ્રકના પૈડાં નીચે આવી જતાં મોત

- અકસ્માત સર્જાતા જ ટ્રકચાલક ટ્રક લઇ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો

વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે રહેતા અને એલ એન્ડ ટીમાં આર્કિટેક ડિઝાઇનર તરીકે નોકરી કરનાર યુવાન બાઇક ઉપર પત્ની અને પુત્રને લઇ કરજણ તાલુકાના ઉમજ ગામે કુળદેવીના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને કરજણ તાલુકાના કંડારી ગામ પાસે પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટમાં લેતા પિતા-પુત્ર ઉછળીને એક બાજુ પડ્યા હતા. જ્યારે પત્ની ઉછળીને ટ્રકના પૈડાં નીચે આવી જતાં સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પતિની નજર સમક્ષ પત્નીનું મોત નીપજના અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના તરસાલી બાયપાસ પાસે એ 157, અક્ષર વિહાર સોસાયટીમાં નયનકુમાર લક્ષ્મીકાંત ભટ્ટ (ઉં.વ.૩૫), પત્ની રીપલબહેન ભટ્ટ (ઉં.વ.33) અને પુત્ર ધ્રુવલ (ઉં.વ.7) સાથે રહે છે. યુવક એલ.એન.ટી. નોલેઝ સીટી વાધોડીયા બ્રીજ નજીકમાં આવેલ ઓફિસમાં આર્કિટેક ડિઝાઇનર એન્જિનિયર તરીકે છેલ્લા ત્રણેક વર્ષથી નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રવિવારે બપોરે 3 વાગ્યે નયનકુમાર ભટ્ટ પત્ની રીપલબેન તથા પુત્ર ધ્રુવલને સાથે બાઇક ઉપર કરજણ તાલુકાના ઉમજ ગામે કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા, ત્યાંથી દર્શન કરી સાંજના 5.30 વાગ્યાના સુમારે ઉમજ ગામેથી નીકળ્યા હતા. ત્યાંથી તેઓ કંડારી ગામે રહેતા પોતાના મામા દિલિપભાઇ ધનશ્યામભાઇ ભટ્ટને મળવા માટે ગયા હતા. કંડારી મામાને મળીને સાંજે 7 વાગ્યાના સુમારે નયનકુમાર ભટ્ટ પરિવાર સાથે વડોદરા આવવા માટે નીકળ્યા હતા. 

આ દરમિયાન તેઓ કંડારી બસ સ્ટેન્ડ સામેથી પસાર થતા હતા. તે સમયે પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે પરિવાર સવાર બાઇકને અડફેટમાં લીધી હતી. જેમાં બાઇકચાલક નયનકુમાર ભટ્ટ અને તેમના પુત્ર ધ્રુવલને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે પત્ની રીપલનું ટ્રકના પૈડાં નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા જ ટ્રકચાલક પોતાની ટ્રક લઇ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવ અંગે કરજણ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મોડી સાંજે કંડારી પાસે બનેલા આ બનાવે ગમગીની ફેલાવી દીધી હતી.

Share :

Leave a Comments