- બંને હોટલ માલિક સગીરોને 10થી 12 કલાક કામ કરાવતા હોવાનું સામે આવ્યું
શહેરના જેતલપુર બ્રિજ નજીક આવેલી 2 હોટલમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 2 બાળમજૂરને મૂક્ત કરાવ્યાં છે. સાથે જ બે હોટલ માલિક સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. જેથી પોલીસે બંને હોટલ માલિકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને હોટલ માલિક સગીરોને 10થી 12 કલાક કામ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ સયાજીગંજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, જેતલપુર બ્રિજ નીચે હોટ ચાઇનીઝ હોટલનો માલિક નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવીને તેમનું આર્થિક શોષણ કરે છે. જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે હોટલ ઉપર દરોડા પાડતા 11 વર્ષનો સગીર બાળમજૂરી કરતો મળી આવ્યો હતો. સગીરની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, તે આ હોટલમાં છેલ્લા બે મહિનાથી કામ કરે છે અને બપોરે 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કામ કરાવે છે અને મહિને 6 હજાર રૂપિયા પગાર આપે છે.
સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલુમિયાની ચાલમાં રહેતા અને હોટ ચાઇનીઝ હોટલના માલિક ઇમરાન ખાન ઉસ્માનખાન પઠાણે સગીર બાળકનું માનસિક તેમજ આર્થિક શોષણ કર્યું હોવાથી તેની વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ-79 તથા ચાઇલ્ડ લેબર એક્ટની કલમ-14 મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સગીરને બાળમજૂરીમાંથી મૂક્ત કરાવી તેના સગા-સંબંધીઓને સોંપ્યો છે.
બીજી બનાવમાં સયાજીગંજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે, જેતલપુર બ્રિજ નીચે લાજવાબ તવા ફ્રાય હોટલના માલિક નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે. જેથી હોટલમાં દરોડા પાડતા 14 વર્ષનો સગીરા બાળમજૂરી કરતો મળી આવ્યો હતો. સગીરની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, તે આ હોટલમાં 15-20 દિવસથી કામ કરે છે અને બપોરે 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કામ કરાવે છે અને મહિને 8 હજાર રૂપિયા પગાર નક્કી કર્યો છે.
સગીર બાળકનું માનસિક તેમજ આર્થિક શોષણ કર્યું હોવાથી હોટલ માલિક ઇઝરાયલ અજીમ ઉદ્દીનશેખ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ-79 મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી છે અને સગીરને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો છે.