- ભારતના પોસ્ટ વિભાગના જો મોટામાં મોટા કોઈ બ્રાન્ડ એમ્બેસેડર હોય તો તે ગાંધીજી છે : અતુલ શાહ
સમગ્ર વિશ્વમાં ગાંધીજી એક માત્ર એવા નેતા છે કે, જેમના મૃત્યુ પછી પણ સમગ્ર વિશ્વનો કોઇ પણ દેશ તેમની તથા તેમના કાર્યોની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ તેમજ કવર્સ આજે પણ બહાર પાડે છે. આ ઉપરાંત ભારતીયના ટપાલ વિભાગના મોટા મોટા બ્રાન્ડ એમ્બેસેડર કોઇ નેતા હોય તો તે ફક્ત અને ફક્ત મહાત્મા ગાંધીજી જ છે.
આજે 2 ઓક્ટોમ્બર એટલે ગાંધી જયંતિ છે. ત્યારે વડોદરાના અતુલ શાહે આજના દિવસે દર વર્ષની જેમ અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. આજે તેઓએ `પોસ્ટલ કલેક્શન ઓફ ગાંધીજી કવર'નું પ્રદર્શન કર્યું છે. જેમાં દેશની વિવિધ 26 પોસ્ટ ઓફિસમાંથી ગાંધીજીના કેન્સલેશનના સિક્કાવાળા પોસ્ટકાર્ડ એકત્રિત કરી પ્રદર્શિત કર્યા છે. જે એક અનોખી બાબત છે. આજના દિવસે તેઓ દર વર્ષે ગાંધીજા સાથે સંકળાયેલી કોઈ પણ બાબતને પ્રદર્શિત કરે છે. તેઓના મતે પોસ્ટ વિભાગ માટે ગાંધીજી સિવાય કોઈ અન્ય બ્રાન્ડ એમ્બેસેડર હોઈ જ ન શકે. આ પ્રદર્શન આજથી 4 ઓક્ટોબર સુધી શહેરમાં કોઠી ચાર રસ્તા ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેનો લાભ શહેરવાસીઓ લઈ શકે છે તેવી તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ અંગે ખાસ કલેક્શન કરનાર અતુલ શાહે જણાવ્યું હતું કે, હું છેલ્લાં 25 વર્ષથી ગાંધીજી ઉપર આ કલેક્શન કરી રહ્યો છું. દર વર્ષે હું ગાંધીજી પર કંઈક નવું વિચારું છું અને ડિસ્પ્લે કરું છું. મારું કલેક્શન ગાંધીજી ઉપર આર્ટ બેઈઝ અને ગાંધીજી એ જ બ્રાન્ડ એમ્બેસેડર હોય છે. ગાંધીજી એક જ એવા વિશ્વના નેતા છે કે તેઓના મૃત્યુ પછી પણ દર વર્ષે વિશ્વનો કોઈ પણ દેશ ગાંધીજીની ટિકિટ કવર કે સિક્કાઓ બહાર પાડતો હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના પોસ્ટ વિભાગના જો મોટામાં મોટા કોઈ બ્રાન્ડ એમ્બેસેડર હોય તો તે ગાંધીજી છે. પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીજી ઉપર જે કવરો મૂકવામાં આવ્યા તે કવરો ઉપર કેન્સલેશનના જે સિક્કાઓ મારવામાં આવ્યા તે ગાંધીજીના ઉપર અથવા તો ગાંધીજીના રિલેટેડ મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આ એક્ઝિબિશનમાં 80 કવર મેં ગાંધીજીના ડિસ્પ્લેમાં મૂક્યા છે અને તેમાં ગાંધીજીને લગતા 60 પ્રકારના અલગ અલગ કેન્સલેશન છે. આ કલેક્શનમાં બીજી ખાસિયત એ છે કે, ગાંધીજીના કેન્સલેશન તો છે જ પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો આધારિત જે કવરો છે તેનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે.
દેશની 26 પોસ્ટ ઓફિસોમાંથી કલેક્શન કરેલા કવરો અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ કલેક્શન દેશના વિવિધ રાજ્યની 26 પોસ્ટ ઓફિસમાંથી પૈસા ચૂકવી મેળવ્યા છે. જેમાં વડોદરા, અમદાવાદ, સુરત રાજકોટ, સૌરાષ્ટ્ર, મુંબઈ, નવી મુંબઈ, નવી દિલ્હી, ઉત્તરપ્રદેશના ખોરખપુર, બિહારના ભાગલપુર, પટના, કટક, ઓરિસ્સા, ભુવનેશ્વર, બેરડોઈ, રાજગાર, બેરી, કટક, અંદબાર નિકોબાર પોર્ટબ્લેક અને જયપુર પોસ્ટના કલેક્શન આજે પ્રદર્શિત કર્યા છે. એટલે કે દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધી જ્યાથી પણ મને ગાંધીજીના કેન્સલેશનને લખતા કવરો મળે તે અહીં ડિસ્પ્લે કર્યા છે.
આઝાદીના સમયથી આજના સમય સુધીનું કલેક્શન અંગે કહ્યું કે, આ દેશનું એકમાત્ર એવું કલેક્શન હશે કે જ્યાં ગાંધીજીના કેન્સલેશનના સિક્કોઓ મેં પ્રદર્શિત કર્યા છે. આ કલેક્શન અમે છેલ્લા 25 વર્ષથી મારા બાપુજી સાથે કરતા હતા અને વર્ષ 2009થી આ અલગ અલગ કલેક્શનનું ડિસ્પ્લે કરવાની શરૂઆત કરી છે. આજે આ કલેક્શન જાહેર જનતા માટે ત્રણ દિવસ માટે ખુલ્લું રહેશે. આ કલેક્શનમાં વર્ષ 1948થી વર્ષ 2021 સુધીના કેન્સલેશનના સિક્કાનું કલેક્શન જોવા મળી રહ્યું છે તે એક અદભૂત બાબત છે.