- આ શહેરમાં કાયદા અને નીતિ નિયમોનું પાલન શું માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે..?
- યુગશક્તિના ગરબા પતી ગયા પરંતુ હોર્ડિંગ્સ અડીખમ
વડોદરા શહેરમાં કાયદા અને નીતિ નિયમો માત્ર કાગળ પર છે. ટ્રાફીક સિગ્નલ પર જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ હોવા છતાં ગાય સર્કલના ટ્રાફીક સિગ્નલ ઢંકાઈ જય એવી રીતે હોર્ડિંગ્સ ઠોકી બેસાડવામાં આવે છે. પોલીસ અને પાલિકાનું વહીવટી તંત્ર ધૃતરાષ્ટ્ર બની જાય છે.
વડોદરા શહેરમાં મહાનગર પાલિકા અને પોલીસ કાયદા અને નીતિ નિયમોનું પાલન પોતાની સગવડ પ્રમાણે કરાવે છે. પશ્ચિમ વિસ્તારમાં ગાય સર્કલ પર ટ્રાફીક જંક્શન પર લાગેલા ટ્રાફીક સિગ્નલ જાહેરાતના હોર્ડિંગ્સ માટે ફાળવી દેવામાં આવ્યું હોય એમ લાગી રહ્યું છે. અહીં હંમેશા કોઈ ને કોઈ હોર્ડિંગ્સ ટ્રાફીક સિગ્નલ પર ઠોકી બેસાડવામાં આવે છે. હોર્ડિંગ્સ એવી રીતે લગાડવામાં આવે છે કે ટ્રાફિક સિગ્નલ પૂરેપૂરું ઢંકાઈ જાય. હાલમાં નવરાત્રી મહોત્સવ પૂરો થઈ ગયો છે. જો કે બે દિવસ બાદ પણ મેડિકલ અશોશીયેશનનું મસમોટુ હોર્ડિંગ્સ પાલિકાના અધિકારીઓ અને હોર્ડિંગ્સ લગાવનાર વચ્ચેની સાઠગાંઠની ચાડી ખાય છે.
આ હોર્ડિંગ્સ યુગ શક્તિ ગરબાના પ્રચાર અર્થે લગાવવામાં આવ્યું છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહની તસ્વીર છે. નવાઈ ની વાત તો એ છે અહીંથી મોટા ભાગના પોલીસ અધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ પસાર થાય છે. કદાચ યુગશક્તિ ના ગરબા જોવા વિજય શાહ પણ અહીં થી પસાર થતા હશે. તો શું કોઈને પણ આ હોર્ડિંગ્સ ગેરકાયદેસર રીતે ઠોકી બેસાડવામાં આવ્યું છે એવુ જણાયું નહીં હોય ?
ખેર, ગેરકાયદેસર રીતે લાગેલા હોર્ડિંગ્સ માટે જવાબદાર સામે કાર્યવાહી કરવાની સત્તા પાલિકાના જમીન મિલકત વિભાગને છે. પરંતુ જમીન મિલકત વિભાગ કાર્યવાહી કરતું નથી. અહીં સવાલ એ છે કે શું નીતિ નિયમો અને કાયદા નું પાલન માત્ર સામાન્ય નાગરિકોએ જ કરવાનું ? આખે આખું સિગ્નલ કાયમ માટે હોર્ડિંગ્સ થી ઢાકી દેવામાં આવે છતાં તંત્ર અને પોલીસ ધૃતરાષ્ટ્ર બની જાય એવુ કદાચ આ શહેરમાં જ થતું હશે...!!