બિલ્ડરની સાઇટના વહિવટકર્તાએ 6 ગ્રાહકો પાસેથી 67 લાખ લીધા, મકાનો-દુકાનો ન આપતા ફરિયાદ

ગોરવાના ઓમકારસિંહ ગોહિલે આમોદર પાસે શ્રીનાથજી ડ્રીમ સીટી નામની સાઇટમાં દુકાન બુક કરાવી હતી

MailVadodara.com - Administrator-of-builders-site-took-67-lakhs-from-6-customers-complaint-of-not-providing-houses-shops

- વહીવટકર્તા ભાવિન મકવાણાએ ગ્રાહકને દસ્તાવેજ કરવા સબ રજિસ્ટ્રારની કચેરી ખાતે બોલાવ્યા બાદ ફોન ઉઠાવવાનું બંધ કર્યા બાદ ફોન જ બંધ કરી દીધો

- ગ્રાહક બિલ્ડરને રજૂઆત કરતા બિલ્ડરે કહ્યું કે, ભાવિન મકવાણા અન્ય લોકોના પણ રૂપિયા લઇને જતો રહ્યો છે, આ અંગે અમે તેને નોટીસ તેમજ અરજી આપી છે

શહેર નજીક વાઘોડિયા રોડ આમોદર ગામ પાસે ગાયત્રી મંદિરની સામે આવેલી શ્રીનાજી દર્શનમની શ્રીનાથજી ધી ડ્રીમ સીટીમાં સાઇટના વહીવટકર્તાઓ ગ્રાહકો પાસેથી મકાનો- દુકાનો વેચાણના નામે રૂપિયા 67 લાખ લીધા અને આ મકાનો-દુકાનો ગ્રાહકોને નહીં આપી બોગસ દસ્તાવેજો બનાવી લઇ છેતરપિંડી કરી હતી. આ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અંબાલા ગામના વતની અને હાલ વાઘોડિયા રોડ ઉપર ઇ-15 અભિષેક ટેનામેન્ટમાં પરિવાર સાથે રહેતા ઓમકારસિંહ નરવતસિંહ ગોહિલ વેપાર કરીને ગુજરાન ચલાવે છે. તેઓએ વેપાર માટે આમોદર પાસે આવેલી શ્રીનાથજી ડ્રીમ સીટી નામની સાઇટમાં દુકાન પસંદ કરી હતી. જ્યાં તેમનો સંપર્ક સાઇટ ઉપર વહીવટકર્તા મૂળ રાજકોટના તબોલી સ્ટ્રીટ ગોંડલના વતની અને હાલ વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે શ્રીનાથજી દર્શનમ ખાતે રહેતા ભાવિન ઉર્ફ અશોકકુમાર મકવાણા સાથે થયો હતો.

ભેજાબાજ વહીવટકર્તા ભાવિન મકવાણા વેપારી ગ્રાહક ઓમકારસિંહને રૂપિયા 29,11,000 માં દુકાનનો ભાવ જણાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે, આ સાઇટ ઉપર બુકીંગ તેમજ દસ્તાવેજ કરી આપવાનું કામ બિલ્ડર દક્ષેશ શાહના વતી હું કરું છું. વેપારીએ ભાવિન મકવાણા ઉપર વિશ્વાસ મુકીને દુકાન બુક કરાવી હતી. તા.11-5-23ના રોજ દુકાનના વેચાણનું બાનાખત કરવા ભાવિને ગ્રાહકને નિઝામપુરા ખાતે બોલાવ્યા હતા. પરંતુ, તે સમયે ભાવિને બાનાખતની કોપી મોકલાવી દેવાની વાત કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વેપારી ઓમકારસિંહે દુકાન વેચાણનો બાનાખત થયા બાદ ભેજાબાજ ભાવિનને અલગ-અલગ તારીખે 23 લાખ ચૂકવ્યા બાદ દસ્તાવેજ કરવા માટે વાત કરી હતી. આથી ભાવિને ગ્રાહક ઓમકારસિંહને તા.23-8-23ના રોજ દસ્તાવેજ કરવા માટે વાઘોડિયા સબ રજિસ્ટ્રારની કચેરી ખાતે બોલાવ્યા હતા. પરંતુ, તે દિવસ બાદ ભેજાબાજ ભાવિને ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. બાદમાં ફોન સ્વિચઓફ કરી દીધો હતો.

આ સમગ્ર ઘટના દરમિયાન ગ્રાહક ઓમકારસિંહ બિલ્ડર દક્ષેશ શાહને મળી રજૂઆત કરતા બિલ્ડરે જણાવ્યું હતું કે, ભાવિને અન્ય લોકો પાસેથી પણ દુકાન-મકાનોના બુકીંગના નામે રૂપિયા લઇને જતો રહ્યો છે. આ અંગે અમે તેને નોટીસ તેમજ અરજી આપી છે. તેને અમારી સાથે પણ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી છે.

આ બનાવ અંગે વેપારી ઓમકારસિંહ ગોહિલે મૂળ રાજકોટના તબોલી સ્ટ્રીટ ગોંડલના વતની અને હાલ વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે 7, શ્રીનાથજી દર્શનમ ખાતે રહેતા ભાવિન મકવાણા સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કેટલાં ગ્રાહકો છેતરાયાં ?

ભેજાબાજ ભાવિને ઓમકારસિંહ ગોહિલ ઉપરાંત પ્રદિપકુમાર અશ્વિનભાઇ પટેલ (રહે. બી-8, એલેમ્બીક કોલોની, ગોરવા) સાથે શ્રીનાથજી આંગણ નામની સાઇટ ઉપર મકાન પેટે રૂપિયા 14 લાખના ચેક પોતાની શ્રી અંબે કન્સ્ટ્રક્શન સાઇટના નામે લઇ છેતરપિંડી કરી છે.

નિલેશ દયાશંકર મંડીર (રહે. ડી-402, મધુવન એલીગન્સ, હરણી રોડ, વડોદરા) પાસેથી શ્રીનાથજી આંગણ નામની સાઇટમાં રૂપિયા 52 લાખની કિંમતના મકાનના બુકીંગના રૂપિયા 16 લાખ રોકડા લઇ છેતરપિંડી કરી છે.

નિતીનભાઇ રમેશભાઇ પ્રજાપતિ (રહે. શક્તિનાથ સર્કલ, ભરૂચ) પાસેથી શ્રીનાથ આંગણ સાઇટમાં રૂપિયા 37 લાખની કિંમતના મકાનના બાનાખત પેટે રૂપિયા 61 હજાર લઇ છેતરપિંડી કરી છે.

ઉજ્વલ જયેશભાઇ પંડ્યા (રહે. બી-24, શ્રીનાથજી આંગણ, શ્રીપોર ટીંબી, વાઘોડીયા) પાસેથી શ્રીનાથજી આંગણ સાઇટમાં રૂપિયા 50 લાખની કિંમતના મકાનના બુકીંગ પેટે રૂપિયા 5 લાખ લઇ છેતરપિંડી કરી છે.

નરેન્દ્રભાઇ સુરેશભાઇ રાજેશીર્કે (રહે. 3, મધુરો હાઉસીંગ સોસાયટી, વાડી) પાસેથી શ્રીનાથજી આંગણ સાઇટમાં રૂપિયા 42 લાખની કિંમતના મકાન સામે બુકીંગ પેટે રૂપિયા 7 લાખ લઇ છેતરપિંડી કરી છે.

જીતેન્દ્રસિંહ સોમસિંહ રાજ (રહે. ડી-4, વ્રજભૂમિ સોસાયટી, આજવા રોડ, વડોદરા)ના ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી રૂપિયા 1,50,000ની છેતરપિંડી કરી છે.

Share :

Leave a Comments