શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચોરી અને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપીને પોલીસ વારસિયા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. જે પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે ત્યાં સોંપવાની વારસિયા પોલીસે તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સોમવારે પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સ્ટાફના અહેકો પ્રવિણભાઈ મેલાભાઈ તથા અહેકો મહેશભાઈ ગિરધારીભાઈને બાતમી મળી હતી કે, હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મકરપુરા પોલીસ સ્ટેશન ગુનામાં નાસ્તો-ફરતો આરોપી નામે અજયસિંગ દર્શનસિંગ સરદાર (દુધાણી- સીકલીગર) (રહે- ભુંડવાડા, વીમા દવાખાના પાસે, ખારી તલાવડી, વારસીયા)નો હાલમાં ભુંડવાડા નાકા પાસે ઉભો છે.
જેના આધારે પોલીસના માણસોએ બાતમી મુજબના સ્થળ પર તપાસ કરી અજયસિંગ સરદારને પકડી પાડયો હતો. આરોપી અજયસિંગ સરદાર હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઈકો કારની ચોરીના ગુનામા સંડોવાયેલો છે અને છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો રહે છે. જેથી આરોપી જે પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે ત્યાં તેનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.