- ચોમાસાને ધ્યાનમાં રાખી સલાહકારે કામચલાવ ધોરણે બ્રિજ બંધ રાખવા કહ્યું, દર બે-ત્રણ મહિને બ્રિજનું ઇન્સ્પેક્શન કરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતેના આશરે 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજને છેલ્લા એક અઠવાડિયાથી બગીચામાં આવતા જતા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પક્ષીઘરથી વાઘખાના તરફ જતો આ ગાયકવાડી શાસન વખતનો બ્રિજ કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટ વિભાગ તરફથી સૂચના આપતા બંધ કરાયો છે. વર્ષો અગાઉ લોકોને સાઈડમાંથી ચાલવા માટે લાકડાના પાટીયા બ્રિજમાં રાખેલા હતા. જે બાદમાં બદલી દેવાયા છે. હાલમાં આ બ્રિજના બંને છેડે લોખંડની બેરી કેડ લગાવી દેવામાં આવી છે. થોડા સમય પહેલા આ બ્રિજ પર ડામર કામ પણ કરવામાં આવ્યું છે, અને તેની રેલિંગ બદલીને નવી નાખવામાં આવી છે.
બીજી બાજુ સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, જો આ બ્રિજ લોકો માટે આવજા કરવા અનસેફ જણાયો હોય તો પછી અહીં રીનોવેશન માટે ખર્ચો કરવાની કોઈ જરૂર ન હતી. લોકોને હવે પક્ષીઘરમાંથી વાઘ-સિંહ જોવા જવું હોય તો દોઢ કિલોમીટર ફરીને જવું પડશે. જોકે કોર્પોરેશન દ્વારા હાલ બાગમાં આવતા મુલાકાતીઓ માટે કેબલ બ્રિજ પરથી જવા માટે ડાઈવર્ઝન અપાયું હોવાનું જાણવા મળ્યું છે.
એક સામાજિક કાર્યકરના કહેવા મુજબ અહીં એવી સૂચના મુકાઈ છે કે, ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ છે, પરંતુ અહીં કોઈ ભારદારી વાહનો પસાર થતા જ નથી. બ્રિજ માત્ર રાહદારીઓને પસાર થવા પૂરતો નબળો જણાતો નથી. ખરેખર તો શહેરમાં બીજા જર્જરીત બનેલા પુલ છે, કોર્પોરેશને તેની મજબૂતાઈ તરફ ધ્યાન આપવાની જરૂરત છે.
આ દરમિયાન કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું હતું કે, આ બ્રિજ આશરે 110 વર્ષ જૂનો છે. હાલ ચોમાસાનો માહોલ છે. વિશ્વામિત્રી નદીમાં પાણીની વધઘટ થયા કરે છે. નદીમાં પાણી આવે એટલે લોકો મોટી સંખ્યામાં વિશ્વામિત્રીનો નજારો જોવા માટે આ બ્રિજ પર ઉભા રહે અને તેના કારણે પણ જોખમ સર્જાઇ શકે. લોકોને એક દોઢ કિલોમીટર ભલે ફરીને જવું પડે, પણ લોકોની સલામતી અગત્યની છે. 110 વર્ષ જૂનો બ્રિજ હોય એટલે સ્વાભાવિક છે કે તેનું સ્ટ્રક્ચર નબળું પડ્યું હોય. સલાહકાર દ્વારા પણ કામચલાવ ધોરણે બ્રિજ બંધ રાખવા કહ્યું છે. દર બે-ત્રણ મહિને બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.