- ફતેગંજ પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં એલ.એલ.બીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફતેગંજ વિસ્તારમાં આવેલ મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
મૂળ મધ્યપ્રદેશમાં રહેતો વિદ્યાર્થી પ્રિતમ ચૌહાણ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ગોલ્ફ વ્યુ એવન્યુમાં રહેતો હતો અને એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં અભ્યાસ કરતો હતો. ગતરાત્રે યુવાને ગોલ્ફ વ્યુ એવન્યુ સ્થિત મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી.
યુવાન પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. જેથી ફતેગંજ પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે વિદ્યાર્થી એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતો હોવાથી પ્રિતમના મિત્રો ગોલ્ફ વ્યુ એવન્યુમાં દોડી આવ્યા હતા. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તેના મિત્રોની પૂછપરછ પણ કરી હતી. પ્રિતમ ચૌહાણ મૂળ મધ્યપ્રદેશનો હોવાથી પોલીસે તેના પરિવારજનોને જાણ કરી દીધી છે. આજે વિદ્યાર્થીનો પરિવાર વડોદરા આવશે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મોકલી આપ્યો છે. આજે મંગળવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.