- મગરના બચ્ચાને રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દેવાયું
વડોદરાના વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામમાં એક મકાનના આંગણે મગરના બચ્ચાએ અડીંગો જમાવી દીધો હતો. મગરના બચ્ચાને જોઇ ફફડી ગયેલા પરિવારજનોને ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું હતું. જો કે, જીવદયા સંસ્થા દ્વારા સિફતપૂર્વક મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કરી પરિવારને હાશકારો આપ્યો હતો.
ચોમાસાની શરૂઆત સાથે મગરો નદી-નાળા, તળાવોમાંથી નીકળી માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. ત્યારે વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામમાં મોડી રાત્રે આશરે 4 ફૂટનું એક મગરનું બચ્ચું એક ઘરના આંગણા સુધી આવી પહોંચ્યું હતું. અને મકાનના દરવાજાની બહાર અડીંગો જમાવીને બેસી ગયું હતું. મગરના બચ્ચાને દરવાજા પાસે જોતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તે સાથે ફળિયાના લોકો પણ મગરના બચ્ચાને જોઇ ગભરાઇ ગયા હતા. જો કે, મગરનું બચ્ચું કોઇને નુકશાન પહોંચાડે તે પહેલાં જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવતા કાર્યકરો દોડી આવ્યા હતા.
કુમેઠા ગામમાં એક મકાનના આંગણે મગરનું બચ્ચું બેઠું હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા ગ્રામજનોના ટોળેટોળા મકાન પાસે આવી પહોંચ્યા હતા. ઉમટી પડેલા ટોળાનો અવાજ સાંભળી મગરનું બચ્ચુ પણ ગભરાઇને જે તે સ્થળે બેસી રહ્યું હતું. દરમિયાન આવી પહોંચેલી જીવદયા સંસ્થાના હેમંત વઢવાણાની ટીમે મગરના બચ્ચાને રેસ્ક્યૂ કરી કોથળામાં પૂરી લઇ ગઇ હતી.
જીવદયા સંસ્થાના હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે કુમેઠા ગામમાંથી રેસ્ક્યૂ કરવામાં આવેલા મગરના બચ્ચાને વન વિભાગને સોંપી દેવામાં આવશે. વન વિભાગ દ્વારા મગરના બચ્ચાને પુન સલામત સ્થળે મુક્ત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારી ટીમ દ્વારા જે કોઇ પ્રાણીને રેસ્ક્યૂ કરવામાં આવે છે, તે વન વિભાગને સોંપી દેવામાં આવે છે. કુમેઠા ગામમાંથી રેસ્ક્યૂ કરવામાં આવેલા બચ્ચાને રેસ્ક્યૂ કરી લેવામાં આવતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.