પાદરાના વણછરા ગામમાં 20 વર્ષની યુવતીને કોબ્રા સાપ કરડ્યો, સમયસર હોસ્પિટલ ન પહોંચાડતા મોત

યુવતી ઘરની બાજુમાં જ ઘાસચારો અને છાણા લેવા ગઇ હતી ત્યારે સાપ કરડ્યો હતો

MailVadodara.com - A-20-year-old-girl-was-bitten-by-a-cobra-in-Vanachhara-village-of-Padra-died-without-reaching-the-hospital-on-time

- વાઇડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરે 3 કલાકની ભારે જહેમત બાદ 3.5 ફૂટના કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગને સોંપ્યો


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વણછરા ગામમાં રહેતી 20 વર્ષની યુવતી ખુશ્બ કનુભાઈ રબારીનું કોબ્રા સાપ કરડતા મોત થયું છે. ગ્રામજનોએ વાઇડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી ટ્રસ્ટના કાર્યકરે ગામમાં જઈને 3 કલાકની ભારે જહેમત બાદ કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું.

ચોમાસાની સિઝન શરૂ થતાં જ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં સરીસૃપ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. પાદરા તાલુકાના વણછારા ગામમાં રહેતી 20 વર્ષની ખુશ્બ કનુભાઈ વણછારા ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ ઘરની બાજુમાં જ ઘાસ ચારો અને છાણા લેવા ગઈ હતી. આ સમયે ખુશ્બને કોબ્રા સાપ કરડ્યો હતો. તેને સમયસર હોસ્પિટલ ન પહોંચાડતા તેનું દોઢ કલાકમાં જ મોત થયું હતું.


વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્ય રાકેશ જાદવે જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યાની આસપાસ મને વણછારા ગામમાંથી ચંદ્રકાન્તભાઈનો કોલ આવ્યો હતો. જેથી હું વણછરા ગામમાં પહોંચ્યો હતો અને ભારે શોધખોળ બાદ કોબાને રેમ્પૂ કર્યો હતો. કોબા સાપ 3.5 ફૂટનો હતો અને તેને રેસ્ક્યુ કરીને પાદરા વન વિભાગને સોંપ્યો હતો.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં સરીસૃપોની વસ્તી વડોદરામાં જ વધારે છે. સાપ કરડે ત્યારે લોકો ભૂવા પાસે પહોંચી જતા હોય છે. કોબ્રા સહિતના ઝેરી સાપ જ્યારે કરડે ત્યારે ભૂવા પાસે લઇ જવાને બદલે દર્દીને હોસ્પિટલ પહોંચાડો તેવી મારી અપીલ છે. તેમણે જણાવ્યું હતું કે લોકો એવું કહે છે કે અમારે ત્યાં સાપ બહુ આવે છે પણ હકીકત એ છે કે આપણે સાપના વિસ્તારમાં રહેવા માટે ગયા છીએ, જેથી હવે રહેણાક વિસ્તારમાં સાપ પકડાય છે. સાપ પકડાય તો તમે અમને જાણ કરો, અમે સાપને રેસ્ક્યુ કરીને લઈ જઈશું.


વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોને સારું વાતાવરણ મળે છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે. પછી ઉનાળામાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે.


ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકોને સર્પદંશની એટલે કે સાપ કરડવાની ઘટના બનતી હોય છે, જેમાંથી આશરે 81,000થી 1.37 લાખ જેટલા કિસ્સામાં મૃત્યુ થાય છે. વિશ્વમાં સર્પદંશના 100 પૈકી 50થી વધારે કિસ્સા એકલા ભારતમાં બને છે. મુંબઈ સ્થિત ICMRની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષ 2000થી 2019 વચ્ચેના ગાળામાં એટલે કે 20 વર્ષના ગાળામાં ભારતમાં સાપ કરડવાને લીધે આશરે 12 લાખ લોકોનાં મોત થયાં હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ દેશમાં સર્પદંશને હાઈ-પ્રાયોરિટી નેમ્પેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ તરીકે ગણાવે છે.

Share :

Leave a Comments