- શહેરને ઝુંપડપટ્ટી મુક્ત કરવા 11,292 મકાન બનાવવા ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજુર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવાની થઈ રહેલી કામગીરી સંદર્ભે સયાજીપુરા અને તાંદળજામાં 40.59 કરોડના ખર્ચે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે મકાનો બનાવવા ટેન્ડર મગાવવામાં આવ્યા છે. જોકે ટેન્ડર માટે ચાર પાંચ વખત પ્રયાસ કરાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સયાજીપુરા ટીપી-1માં ફાઇનલ પ્લોટ 119 અને 124 માં 20.74 કરોડના ખર્ચે મકાનો ઊભા કરાશે, એ જ પ્રકારે ટીપી 2માં ફાઇનલ પ્લોટ 45માં 13.28 કરોડના ખર્ચે મકાનો બનાવાશે. ટેન્ડર મંજૂર થયા બાદ કોન્ટ્રાક્ટર પાસે 24 મહિનામાં મકાનો બનાવવાની ટાઈમ લિમિટ રહેશે.
આ બંને જગ્યા પર મકાન બનાવવા ટીપી-1માં ટેન્ડર ચોથી વાર અને ટીપી 2માં ટેન્ડર પાંચમી વખત મંગાવવામાં આવે છે. વડોદરા શહેરના તાંદળજામાં ટીપી 24 ફાઈનલ પ્લોટ નંબર 52 અને ટીપી 22 માં ફાઇનલ પ્લોટ 100 માં 6.57 કરોડના ખર્ચે મકાનો ઊભા કરાશે. અહી મકાનો બનાવવા માટે ટેન્ડર પાંચમી વખત મગાવવામાં આવે છે. ટેન્ડર ડાઉનલોડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જ્યારે તારીખ 20 જુલાઈ સુધીમાં ટેન્ડર સબમીટ કરવાના રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાર પૈકી ત્રણ ઘટક હેઠળ મકાન બનાવવાની કામગીરી થાય છે. શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા પ્રકારના આયોજન મુજબ કુલ 24,298 મકાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 11,292 મકાન માટે ડીપીઆર એટલે કે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર કરવામાં આવેલ છે. જેમાંથી 862 મકાનોનું કામ પૂર્ણ થયું છે. 4,376 મકાનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. ઇન સીટુ સ્લમ રીહેબિલિટેશન, એફોરડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ તથા બેનિફિશિયરી લેન્ડ કન્સ્ટ્રક્શન ઘટક હેઠળ આશરે 8000 મકાનોની કામગીરી ચાલી રહી છે. જ્યારે 2685 મકાનની કામગીરી પૂર્ણ થઈ છે.