વડોદરા શહેરના ચારેય ઝોનમાં ઈ-બસ સર્વિસ માટે 4 ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન ડેપો બનાવાશે

કોર્પોરેશનમાં મેયરના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં ઇ-બસ માટે ચર્ચા-વિચારણા કરાઇ

MailVadodara.com - 4-electric-charging-station-depots-will-be-constructed-for-e-bus-service-in-all-four-zones-of-Vadodara-city

- શહેર બહારના રૂટોને બઆવરી લેવાય તે રીતે પ્લાનિંગ હાથ ધરવા સૂચના

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં ઇ-બસ માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને ચારેય ઝોનમાં ચાર ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન ડેપો બનાવવા નક્કી થયું હતું. નવી ઈ-બસો આવે કે તુરંત જ તે ઉપયોગમાં લઈ શકાય અને કામગીરી શરૂ કરી શકાય તે માટે તેમજ શહેરના બહારના રૂટોને બસ સર્વિસમાં આવરી લેવાય તે રીતે કન્સલટન્ટ પાસે પ્લાનીંગ કરીને પ્રોજેકટ વહેલીતકે શરૂ કરવા પણ જણાવાયું હતું.

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નેશનલ ઇલેક્ટ્રિક બસ પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાં 50,000 ઇલેક્ટ્રીક બસ ચાલુ કરવા નક્કી કરાયું છે. જેમાં વડોદરા કોર્પોરેશનને 200 ઈ-બસની દરખાસ્ત કરાઈ છે. શહેરને ઈ-હબ બનાવીને અને ઇલેક્ટ્રીક સીટી બસ સર્વિસનું સંચાલન કરવા આયોજન હાથ ધરવામાં આવનાર છે, ત્યારે 200 ઈ-બસ માટે પાર્કિંગ વ્યવસ્થા સંલગ્ન જરૂરી માળખું, ચાર્જિંગ સ્ટેશન, રીયલ ટાઈમ મોનિટરિંગ માટે ટેકનિકલ સુવિધા, ડેપો વગેરે માટે કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

ડેપો વર્કશોપ ચાર્જિંગ સ્ટેશનનું પ્લોટીંગ વગેરે માટે એક સમિતિ બનાવાશે. વડોદરામાં ઈ- સિટી બસ સંચાલનને લગતી નીતિના ગઠન માટે ખાસ કંપનીની રચના કરવામાં આવનાર છે, એટલું જ નહીં સરળતાપૂર્વક સંચાલન થાય તે સંદર્ભે ખાસ કંપની પણ બનાવવાની દરખાસ્ત તાજેતરમાં મંજૂર કરાઈ છે.

નવી ઇ-બસો એસી અને નોન એસી હશે. ઈ-બસ હોવાથી અને સુરક્ષિત પર્યાવરણ હેઠળ સર્વિસ આપનાર હોવાથી સરકાર દ્વારા કિલોમીટર દીઠ સબસીડી પણ મળશે. હાલની બસ સર્વિસમાં જે 120 રૂટની આસપાસ સર્વિસ ચાલે છે તેમાં પણ વધારો કરવામાં આવશે.

Share :

Leave a Comments