વડોદરામાં શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપીને રોકાણ કરાવી રૂપિયા 4.50 લાખની છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ વેપારીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના આજવા રોડ બહાર કોલોની ખાતે રહેતો ફારૂક ચૌહાણ પાન પાર્લરની દુકાન ધરાવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ અમન મુખ્તિયાર અહેમદ રાણા (રહે. અમન સોસાયટી, નવજીવન બસ સ્ટેન્ડ પાસે, આજવા રોડ, વડોદરા) પણ પડીકી લેવા આવતો હોવાથી પરિચિત હતો. અમન રાણાએ પોતે શેરબજારમાં કામ કરતો હોવાથી રોકાણ કરો તો મૂડી સેફ રહે અને પ્રતિદિન નફો મળે તેવી લાલચ આપી હતી. અને તે નફામાંથી 10 ટકા કમિશન પેટે પોતે લેશે તેવું નક્કી થયું હતું.
પ્રથમ વખત રૂપિયા 90 હજાર રોક્ડા આપ્યા બાદ નફા પેટે અમને તેના કમિશનના રૂપિયા લઇ મને 1.54 લાખની રકમ પરત આપી હતી. ત્યારબાદ નફો ન મળતા અમને મને જણાવ્યું હતું કે, શેરબજારમાં નુકસાન થયું છે. જેથી હુંએ મારી મૂડી પરત માંગતા મૂડી છૂટી કરવા ટેક્સના છ લાખ ભરવામાં બે લાખ ખૂટે છે તેમ કહી વધુ બે લાખ માંગ્યા હતા. જેથી બે લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ મૂડીની રૂપિયા 4.50 લાખની રકમ મને પરત કરવા માટે બે ચેક આપ્યા હતા. જે બેંકમાં ડિપોઝિટ કરતા રિટર્ન થયા છે. રમેશ ગલસર તથા પ્રદ્યુમનસિંહ રાજ સાથે પણ તેણે આ પ્રકારે છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી છે. બાપોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી અમનની શોધખોળ શરૂ કરી છે.