વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસેથી રિક્ષામાં દારૂ લઇને જતાં 2 શખ્સો ઝડપાયા, બુટલેગર સહિત ૩ વોન્ટેડ

પીસીબી પોલીસે બાતમી આધારે શાસ્ત્રી બ્રિજ પાસે વોચ ગોઠવી દારૂ ઝડપી પાડ્યો

MailVadodara.com - 2-persons-caught-carrying-liquor-in-rickshaw-from-Shastri-Bridge-in-Vadodara-3-wanted-including-bootlegger

- પોલીસે 55 હજારના દારૂની ૨૨ બોટલો, ઓટો રીક્ષા, રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧,૧૭,૫૮૦નો મુદ્દામાલ કબજે કર્યો


શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે ઓટો રિક્ષામાં દારૂનો જથ્થો ડિલિવરી કરવા જતા રીક્ષા ચાલક સહિત બે શખ્સોને પીસીબી પોલીસે ઝડપી પાડી રૂપિયા ૧.૧૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે બુટલેગર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, એક ઓટોરિક્ષામાં બે શખ્સો અમિત નગર સર્કલથી વિદેશી દારૂનો જથ્થો ભરી અલકાપુરી તરફ રવાના થયા છે. જેના આધારે પોલીસે શાસ્ત્રી બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની રીક્ષા ઝડપી પાડી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં રીક્ષા ચાલક હેમુ હોતચંદ રતલાણી (રહે. જુના આરટીઓ પાસે, વારસિયા) અને ધર્મેશ ઉર્ફે ધવલ અશોકભાઈ રાજપુત (રહે. ઝંડા ચોક, કિશનવાડી) હોવાનું બહાર આવ્યું હતું.


રીક્ષા ચાલકે કબુલાત કરી હતી કે, પ્રકાશ સિંધી નામની વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, કિશનવાડી એસઆર પેટ્રોલ પંપ પાસે શૈલેષ ઉર્ફે કાનો રાજપૂત ઉભો છે. તેને લઈને સાંઈનાથ પાર્ક સોસાયટી, અમિતનગર મારા ઘરે આવી જા. જ્યાં તેણે રિક્ષામાં આ થેલા મૂકી અલકાપુરી એક્સપ્રેસ હોટલ જવાનું જણાવ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 55 હજારની કિંમત ધરાવતી દારૂની ૨૨ બોટલો, ઓટો રીક્ષા, રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧,૧૭,૫૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પ્રકાશ સિંધી, શૈલેષ ઉર્ફે કાનો રાજપૂત અને દારૂનો જથ્થો મંગાવનાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Share :

Leave a Comments