સાવલીના ધનોરા ગામની પોસ્ટના પોસ્ટ માસ્તર ૩ ગ્રાહકોના 15,400 ચાઉં કરી ગયા, ફરિયાદ નોંધાઈ

ગ્રાહકોએ બચત કરેલી રકમ પોસ્ટ માસ્ટરે પોતાના અંગત કામમાં વાપરી નાંખ્યા હતા

MailVadodara.com - 15-400-chaun-of-3-customers-by-the-postmaster-of-Dhanora-village-post-in-Savli-complaint-registered

- પોસ્ટ માસ્તર સામે ફરિયાદ નોંધાતા આ પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ખોલનાર અન્ય ગ્રાહકો પણ પોતાની પાસબૂકો લઈ તપાસ માટે પહોંચ્યા

પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓમાં બચત કરતા ગ્રાહકોના સરકારી તિજોરીમાં જમા નહિ કરાવી રૂપિયા 15 હજાર ચાઉં કરી જનાર સાવલી તાલુકાના ધનોરા ગામની પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ પોસ્ટ માસ્તરે બે અલગ-અલગ યોજનામાં બચત કરનાર બે મહિલા ગ્રાહકોની બચતની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી નહોતી. સાવલી પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

સાવલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ધનોરા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ધર્મેશભાઈ શનાભાઈ પરમાર ફરજ બજાવે છે. આ પોસ્ટમાં ધનોરા ગામ સહિત આસપાસના ગામના લોકો પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓમાં બચત કરે છે. જેમાં પોસ્ટ વિભાગની સેવિંગ્સ બેંક ખાતા, રિકરિંગ ડિપોઝીટ ખાતા, સુકન્યા સમૃધ્ધિ યોજના જેવી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પનીર પોસ્ટ ઓફિસમાં શાંતાબહેન ડાહ્યાભાઈ ભાલીયા (રહે. ધનોરા)એ રિકરિંગ ખાતું ખોલાવ્યું હતું. આ બહેન ધિરજસિંહ ચૌહાણ (રહે. લોટણા)એ સેવિંગ્સ ખાતુ ખોલાવ્યું હતું, અને સંજયભાઈ ડાહ્યાભાઈ ભાલિયા (રહે.ધનોરા) પોતાની દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજના બચત ખાતું ખોલાવ્યું હતું અને તેઓએ યોજના મુજબ બચત કરી હતી. ધનોરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર ધર્મેશભાઈ પરમારે ગ્રાહકોએ બચત કરેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત કામમાં વાપરી નાંખ્યા હતા. ધનોરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર ધર્મેશભાઈ પરમારે જૂન 2015થી ડિસેમ્બર 2015 દરમિયાન ગ્રાહકોની બચત રકમ પોતાના અંગત કામે ખર્ચ કરી નાખી હતી અને ગ્રાહકોને તેઓની બચત ખાતાની પાસ બુકમાં રકમ જમા બતાવી આપી હતી. દરમિયાન ગ્રાહકોએ પોતાના ખાતામાં કરેલી બચત રકમ જમા ન બતાવતા ભાંડો ફૂટ્યો હતો.

આ દરમિયાન આ બનાવ અંગેની તપાસ પાદરા પોસ્ટ સબ ડિવિઝનના ઇન્સ્પેક્ટર લલિતાબેન બિશ્નોઇ દ્વારા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ધનોરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર ધર્મેશભાઈ પરમારે ત્રણ ગ્રાહકોના રૂપિયા 15,400 સરકારી તિજોરીમાં જમા કરાવ્યા ન હોવાની વિગતો બહાર આવી હતી. જેથી ઇન્સ્પેક્ટરે આ બાબતના 21 દસ્તાવેજો કબ્જે કર્યા હતા.

આ બનાવ અંગે પાદરા પોસ્ટ સબ ડિવિઝનના ઇન્સ્પેક્ટર લલિતાબેન બિશ્નોઇ (રહે. બી-5, મોગીનગર ટાઉનશિપ, છાણી, વડોદરા)એ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધનોરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ધનોરા ગામ સહિત આસપાસના ગામોમાં ચકચાર મચી ગઈ હતી. પોસ્ટ માસ્તર સામે ફરિયાદ નોંધાતા આ પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ખોલનાર અન્ય ગ્રાહકો પણ પોતાની પાસબૂકો લઈ તપાસ માટે પહોંચી ગયા હતા.

Share :

Leave a Comments