- રાત્રે આવતા પીવાના પાણીથી અંડરગ્રાઉન્ડ ટાંકી ભરાઈ ગયા બાદ ઉભરાઈને રોડ પર વહેતા પાણીનો વેડફાટ થાય છે
વડોદરા કોર્પોરેશન દ્વારા એક બાજુ પાણીનો વેડફાટ રોકવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ લાઈન લીકેજના કારણે પાણી નિરર્થક વહી જતું હોય છે, એટલું જ નહીં વિસ્તારમાં પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવાના કારણે પણ પાણીનો બગાડ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા કારેલીબાગ વીઆઈપી રોડ બ્રાઇટ સ્કૂલ પાસેની સોસાયટીઓમાં પાણીના સમયમાં છેલ્લા એક સપ્તાહથી ફેરફાર કરતા વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે. અગાઉ બપોરે બે વાગ્યાથી અઢી વાગ્યાની આસપાસ પાણીનું વિતરણ કરાતું હતું. જેના લીધે લોકોને પાણી ભરવાનો પણ સમય રહેતો હતો, અને અંડરગ્રાઉન્ડ ટાંકી ભરાઈ જવાના કારણે લોકો નળ પણ બંધ કરી દેતા હતા, પરંતુ છેલ્લા એક સપ્તાહથી બપોરને બદલે રાત્રે 11 વાગ્યે પાણી અપાય છે. જેથી લોકોને પોતાની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નળ ખુલ્લા રાખવા પડે છે, જો નળ બંધ રાખે તો બીજા દિવસે પાણી વિના રહેવું પડે. જેને પગલે રાત્રે આવતું પાણી ટાંકી ભરાઈ ગયા બાદ ઉભરાઈને રોડ પર બહાર વહેતું રહે છે, કેમકે લોકો ઊંઘતા હોવાથી નળ બંધ કરવા તો ઉઠવાના નથી. આ રીતે પાણી વિતરણનો સમય રાતનો કરવાથી પાણીનો વેડફાટ થાય છે. સવારે છલકાયેલા પાણીના કારણે કીચડ અને ગંદકી પણ રહે છે. આમ, એક બાજુ પાણીનો બગાડ થાય છે બીજી બાજુ વીઆઈપી રોડ ખોડીયાર નગરની આસપાસની સોસાયટીમાં પાણી પૂરતા પ્રેશરથી અને સમયસર મળતું નથી. લોકોને પાણી માટે રોજ ટેન્કરો મંગાવી પડે છે. કોર્પોરેશનની વિતરણ વ્યવસ્થા ના કારણે લોકોને અનેક વિસ્તારોમાં હાડમારી ભોગવવી પડે છે.