કલ્યાણ નગર અને તાંદલજાના આવાસ યોજનાના 276 લાભાર્થીઓને બાકી નાણાં ભરવા પાલિકાની નોટિસ

15 ડિસેમ્બર સુધીમાં બાકી રૂપિયા નહીં ભરાય તો કોર્પોરેશન ફાળવેલું મકાન રદ કરાશે

MailVadodara.com - vadodaraMunicipality-notice-to-pay-dues-to-276-people-of-Kalyan-Nagar-and-Tandalja-housing-scheme

- નરહરી હોસ્પિટલ પાસે આવેલા કલ્યાણ નગરના 144 લોકોને અને તાંદલજા ખાતે રાજીવ આવાસ યોજનાના 132 લોકોને નોટિસ અપાઇ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજીવ આવાસ યોજના હેઠળ કલ્યાણ નગર અને તાંદલજામાં પણ મકાનો બાંધવામાં આવેલ છે. આ મકાનમાં રહેતા લોકો દ્વારા ઘણાએ હજુ લાભાર્થી ફાળાની બાકી રકમ જમા કરાવી નહીં હોવાથી કોર્પોરેશને તે ભરી દેવાની નોટિસ આપી છે. આવી નોટિસ આશરે 276 લોકોને આપી છે. જેઓએ કોર્પોરેશનમાં લાભાર્થી ફાળા પેટે અંદાજે 8 કરોડ ભરવાના બાકી રહે છે. 

વડોદરામાં નરહરી હોસ્પિટલ પાસે આવેલા કલ્યાણ નગરના 144 લોકોને નોટિસ આપવામાં આવી છે. જેઓના અંદાજે 5 કરોડ ભરવાના બાકી રહે છે. એ જ પ્રમાણે જેપી પોલીસ સ્ટેશન પાસે તાંદલજા ખાતેની રાજીવ આવાસ યોજનાના 132 લોકોને નોટિસ આપી છે. જેઓના અંદાજે 3 કરોડ ભરવાના બાકી રહે છે. 

આ નોટિસમાં કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે રાજીવ આવાસ યોજનામાં મકાન મેળવેલા લાભાર્થીઓ દ્વારા આજ સુધી ફાળવેલા મકાનની બાકી રહેતી રકમ હજુ સુધી જમા કરાવેલી નથી. જેથી આવા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે. જે લોકોએ હજી રૂપિયા ભર્યા નથી તેઓને 15 ડિસેમ્બર સુધીમાં રૂપિયા ભરી દેવા સૂચના આપવામાં આવી છે. જો ત્યાં સુધીમાં રૂપિયા ભરવામાં નહીં આવે તો કોર્પોરેશન કોઈપણ જાણ કર્યા સિવાય ફાળવેલું મકાન રદ કરી દેશે તેવું નોટિસમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. આ યોજના હેઠળ સરકારી સહાય છતાં લોકોએ પોતાના ફાળાની રકમ સમયસર ભરવામાં બેદરકારી દાખવી છે.

ઉલ્લેખનીય છે કે નુર્મ યોજના અંતર્ગત વડોદરા શહેરમાં સાત વર્ષના ગાળામાં પાંચ ફેઝ હેઠળ ગરીબોની આવાસ યોજના અંતર્ગત કુલ 21,696 આવાસો તથા રાજીવ આવાસ યોજના અંતર્ગત 1,460 આવાસોનુ બાંધકામ કરવામાં આવ્યું છે.

Share :

Leave a Comments