- સંવેદનશીલ વિસ્તારોમાં ગલીઓ પતરાથી કોર્ડન, ડ્રોનથી બાજ નજર, SRPની 3 કંપની, 30 PI, 15 ACP સહિત પોલીસ ખડેપગે રહેશે
- વિસર્જન યાત્રાના રૂટ પર ઘોડે સવાર પોલીસનું સતત પેટ્રોલિંગ કરાશે
વડોદરામાં જૂનીગઢી મિત્ર મંડળ આયોજીત જૂનીગઢી ગણપતિબાપાની આજે સાંજે વિસર્જન યાત્રા નિકળશે. આ વિસર્જન યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી નિકળવાની હોવાથી પોલીસના ધાડેધાડા રૂટ પર ઉતરી ગયા છે. સંવેદનશીલ વિસ્તારોની ગલીઓ પતરાથી કોર્ડન કરવામાં આવી છે. ઘોડે સવારી પોલીસ દ્વાર રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ રૂટ પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. એસઆરપી, આરએએફ અને સીઆરપીની 3 કંપની મગાવાઇ છે. જ્યારે 30 પીઆઈ, 15 એસીપી, 5 ડીસીપી, 700 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ઉપરાંત હોમગાર્ડનાં 900 જવાનો ખડપગે છે. આ વખતે પ્રથમવાર પોલીસે હિસ્ટ્રી શીટર અને ખાસ કરીને અગાઉ પથ્થરમારો અને તોફાનોમાં ઝડપાયેલા આરોપી અને એમના પરિવારના મોબાઈલ ફોન સર્વેલન્સ પર મૂકી દીધાં છે.
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, 3 ડીસીપી લાંબા સમયથી ફરજ બજાવે છે. સંવેદનશીલ વિસ્તારોમાં એમને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે. વિસર્જનના રૂટ પર આવેલા ધાબાની તપાસ ટીમોએ કરી છે. સંવેદનશીલ વિસ્તારોના ધાબા ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવી દૂર સુધી નજર રાખવા બાઈનોક્યુલર સાથે જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 27 જેટલા ડીપ પોઇન્ટ પણ રખાયા છે. ગણેશોત્સવની શરૂઆતથી જ અસામાજિક તત્વો ઉપર નજર રખાઈ છે. માથાભારે તત્વોનું રાઉન્ડઅપ ચાલુ છે. સીસીટીવીના ફૂટેજ સાથે Alની મદદથી લાઈવ ટ્રેકિંગ કરી આધુનિક ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. 75 ઉપરાંત બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.
જુનીગઢીના ગણેશજીની યાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતી હોય છે. આ યાત્રા ઉપર 15 કરતા વધુ અપ્રોચ રસ્તા ઉપર આડશ મૂકી બ્લોક કરી દેવામાં આવ્યા છે. જેથી ગલીમાંથી કોઈ વ્યક્તિ વાહન સાથે કે ચાલતા અવરજવર કરી શકશે નહિ. આડશની બીજી તરફ અંદરના ભાગે 100 મીટર સુધી પોલીસની ટીમો હાજર છે. અગાઉ અસામાજિક તત્વો દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. જેના કારણે અગમચેતીના ભાગરૂપે પોલીસ વિભાગે વીજ કંપનીનો સંપર્ક કર્યો છે અને જુદા જુદા ટ્રાન્સફોર્મર પાસે વીજકર્મીઓ સાથે પોલીસ જવાનો પણ બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે. યાત્રાના રૂટ ઉપર આધુનિક ડ્રોનથી બાજ નજર રખાશે.