- આ નિર્ણયના પગલે હંગામી અધ્યાપકોનો પગાર 5000 રૂપિયા વધશે!
એમ.એસ.યુનિવર્સિટીના હંગામી અધ્યાપકોના પગારમાં આખરે યુનિવર્સિટી સત્તાધીશોએ વધારો કરી દીધો છે. આ નિર્ણયના પગલે હંગામી અધ્યાપકોનો પગાર 5000 રૂપિયા વધી જશે.
આમ તો સિન્ડિકેટ દ્વારા 6 મહિના પહેલા જ પગાર વધારાને લીલી ઝંડી આપવામાં આવી હતી પણ કોઈને કોઈ કારણસર યુનિવર્સિટી સત્તાધીશો આ નિર્ણયને પાછો ઠેલી રહ્યા હતા.જોકે હવે આ નિર્ણયનો અમલ કરાયો છે. સાથે સાથે આ પગાર વધારો 2023-24નુ શૈક્ષણિક વર્ષ શરૂ થયુ ત્યારની ઈફેકટથી અમલમાં મુકાયો હોવાથી અધ્યાપકોને એરિયર્સ પણ મળશે. આ નિર્ણયના કારણે ટેમ્પરરી આસિસટન્ટ તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને 30000ની જગ્યાએ 35000 રૂપિયા, નેટ કે સેટ પરીક્ષા પાસ કરી હોય તેવા હંગામી અધ્યાપકોને 33500ની જગ્યાએ 38500 રૂપિયા તેમજ પીએચડી ડિગ્રી મેળવનારા હંગામી અધ્યાપકોને 36000 રૂપિયાની જગ્યાએ હવે દર મહિને 41000 રૂપિયા પગાર મળશે. યુનિવર્સિટીમાં 600 કરતા વધારે હંગામી અધ્યાપકોને તેનો ફાયદો થશે.
જાણકારોનું કહેવું છે કે, યુનિવર્સિટીમાં કાયમી જગ્યાઓ પર ભરતી બંધ છે અને તે નજીકના ભવિષ્યમાં શરૂ થવાની શક્યતાઓ દેખાતી નથી ત્યારે ઘણા હંગામી અધ્યાપકો યુનિવર્સિટીની નોકરી છોડીને બીજી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં નોકરી જોઈન કરી રહ્યા હતા. કેટલીક ખાનગી સંસ્થાઓએ તો યુનિવર્સિટીના હંગામી અધ્યાપકોને 20000 રૂપિયા સુધીનો પગાર વધારો ઓફર કર્યો હતો. આમ યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકો નોકરી છોડી ના દે તે માટે પણ પગાર વધારાનો નિર્ણય લેવાયો હોવાનું મનાઈ રહ્યુ છે.