વડોદરામાં સિક્યોરિટીની નોકરી કરતા યુવકને જમતા જમતા હાર્ટએટેક આવતા મોત, પરિવાર આઘાતમાં

દેવેન્દ્ર મકવાણા ગોરવા-લક્ષ્મીપુરા રોડ પર સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-3માં રહેતા હતા

MailVadodara.com - Youth-working-as-security-in-Vadodara-dies-of-heart-attack-while-eating

- કેબિનમાં જમતા જમતા દેવેન્દ્ર મકવાણાને એટેક આવતા ઢળી પડ્યા હતા

- ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા

વડોદરા સહિત સમગ્ર દેશમાં હાર્ટ-એટેકના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં વધુ એક યુવક સિક્યુરિટીની ફરજ દરમિયાન જમતા પહેલા ઢળી પડ્યો હતો. બાદમાં તેના મિત્રો સ્થળ પર પહોંચી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ગોરવા-લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-3માં રહેતા દેવેન્દ્ર ભાઈલાલભાઈ મકવાણા (ઉં.વ. 30) ગોરવા બ્રિજ નજીક આવેલી ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કેબિનમાં જમતા જમતા એટેક આવતા ઢળી પડ્યા હતા. બાદમાં ઓટો રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કરતા સયાજી હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ અંગેની કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવને લઇ મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવકના પરિવારમાં માતા-પિતા, બે ભાઈ સાથે એક બહેન છે, જેના લગ્ન થયેલા છે. તેઓને એક નાનો ભાઈ છે, પગમાં ફ્રેક્ચર હોવાથી તે આરામમાં છે. સાથે પિતાની પણ તબિયત સારી ન હોવાથી તેઓ પણ ઘરે છે. ત્યારે આ પરિવારમાં ગુજરાન ચલાવનાર યુવકનું મોત થતા પરિવાર પર આફત આવી પડી છે.

આ બનાવ અંગે યુવકના મિત્ર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મારા મિત્ર અને અમે નાનપણથી સાથે મોટા થયા છીએ. આ બાબતની જાણ ગત રાત્રે 9.30 પછી થઈ હતી. મિત્રએ જણાવ્યું હતું કે, મેં બોલાવ્યો, પરંતુ ભાઈ બોલતો નથી. અમે ત્યાં પહોંચ્યા તો તેઓ જમતા પહેલા જ ઢળી પડ્યા હતા અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. અમે અત્યારે 100 જેટલા મિત્રો અહીં પહોંચ્યા છીએ.

આ બનાવ vઅંગે ફતેગંજ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ યુવક જ્યાં નોકરી કરતો હતો ત્યાં સ્થળ પર જઈ પોલીસ વધુ તપાસ કરશે. યુવકના પીએમ રિપોર્ટ બાદ મૃત્યુ અંગે વધુ માહિતી મળી શકે છે. હાલમાં આ મામલે ફતેગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments